Trending News
સ્થાનિક સમાચાર

બીએસએફની ૯૦મી બટાલિયન દ્વારા ધોરડો ગામમાં નાગરિક કલ્યાણ કાર્યક્રમનું કરાયું આયોજન

14 October


ધોરડો - કચ્છઉદય :  સીમા સુરક્ષા દળની ૯૦મી બટાલિયન દ્વારા ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૬-૨૭ના નાગરિક કલ્યાણ કાર્યક્રમનુુંં સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૯૦મી બટાલિયન બીએસએફ, ભુજના કમાન્ડન્ટ વિજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિરીક્ષક મોયાંગર, કાર્યકારી કંપની કમાન્ડર, ‘ઈ’ કંપની અને નિરીક્ષક (જી) મનોજ કુમાર, યુજીસી સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓને રમતગમતને પ્રોત્સાહન આપવા, શૈક્ષણિક સુવિધાઓમાં સુધારો કરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી આશરે ૫ લાખની કિંમતની રમતગમતની સામગ્રી અને આવશ્યક સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ સરકારી પ્રાથમિક શાળા, ધોરડો, સરકારી પ્રાથમિક શાળા, પન્નાવરી, સરકારી ગોરેવાળી શાળા-બે, પ્રાથમિક શાળા સરકારી ગોરેવાળી ગ્રુપ શાળા (ધોરણ ૧થી ૮), સરકારી પ્રાથમિક શાળા, ઉડમા, સરકારી પ્રાથમિક શાળા, અધિયાંગમાં સામગ્રી વિતરિત કરવામાં આવી હતી. સામગ્રીમાં ૧૫૦ લિટરની ક્ષમતાવાળા બે વોટર કૂલર, ૧૦૦ લિટરની ક્ષમતાવાળા બે વ્યાવસાયિક આરઓ વોટર પ્યુરિફાયર, ફૂટબોલ, વૉલીબૉલ, વૉલીબૉલ નેટ, ક્રિકેટની સામગ્રી, બેડમિન્ટનની સામગ્રી, કેરમ બોર્ડ, પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલો, મોટી સ્ટીલની અલમારીઓ અને કચરાપેટીઓનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ધોરડો સરપંચ મિયા હુસૈન, પીઆઈ તેજલ, હમીદ અલીભાઈ, મોહમ્મદ મકબૂલ હાજી ફતેહ, હમીદભાઈ, નિલેશભાઈ, તુષાર જાની અને આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, ૧૧૦ સ્થાનિક ગ્રામજનો તથા બીએસએફના ૪૦ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિજય કુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા સરહદી વિસ્તારોમાં રહેતા લોકોના કલ્યાણ, વિદ્યાર્થીઓના વિકાસ તથા સમાજમાં શાંતિ, સદ્દભાવના અને પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવવાની બીએસએફની પ્રતિબદ્ધતા પ્રગટ થાય છે. કાર્યક્રમ દરમિયાન બીએસએફના અધિકારીઓએ સરહદી વિસ્તારના ગ્રામજનોને અપીલ કરી હતી કે તેમના ગામમાં કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ આવે તો તેની માહિતી તાત્કાલિક નજીકની બીએસએફ છાવણી અથવા બીએસએફના જવાનોને આપવામાં આવે, જેથી સરહદી વિસ્તારોમાં સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય. સ્થાનિક લોકોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બીએસએફ દ્વારા કરવામાં આવતી જનકલ્યાણની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.
----------

Comments

COMMENT / REPLY FROM