Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ૧ ઓક્ટોબરથી ઈએસઆઈસી કવરેજ અમલી

13 October


ફોકિયા અને એસીક ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે યોજાયો માર્ગદર્શન સેમિનાર


અંજાર - કચ્છઉદય કચ્છ જિલ્લામાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના જાહેરનામા અનુસાર ૧ ઓક્ટોબરથી કર્મચારી રાજ્ય વીમા નિગમનું કવરેજ અમલી બન્યું છે. આ સંદર્ભે ઔદ્યોગિક એકમો, નોકરીદાતાઓ અને કર્મચારીઓમાં કાયદાકીય જોગવાઈઓ, વીમા કવરેજ તથા આરોગ્ય અને સામાજિક સુરક્ષાના લાભો અંગે જાગૃતિ લાવવા ફેડરેશન ઑફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ અને એસીકના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે અર્ધદિવસીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કચ્છના ૧૦૦થી વધુ ઔદ્યોગિક એકમોના આશરે ૧૫૦ પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત એસીક ગુજરાતના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ જણાવ્યુ હતું કે એસીક એ વિશ્વભરમાં આરોગ્ય સુખાકારીની સહુથી મોટી યોજનાઓમાંથી એક છે, જેના હેઠળ ગુજરાતમાં હાલ ૮૪ લાખ કર્મચારીઓ જોડાયેલા છે અને કચ્છમાં પણ આગામી સમયમાં આશરે એક લાખ કર્મચારીઓને આવરી લેવાની નેમ છે. આ યોજના ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા એકમોને લાગુ પડે છે, જેમાં રૂ. ૨૧,૦૦૦ સુધીની વેજ લિમિટ ધરાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. યોજના હેઠળ કર્મચારીનો ફાળો ૦.૭૫ ટકા અને નોકરીદાતાનો ફાળો ૩.૨૫ ટકા રહેશે, જ્યારે રૂ. ૧૭૬ સુધીનું દૈનિક સરેરાશ મહેનતાણું મેળવતા કર્મચારીઓને ફાળો આપવાથી મુક્તિ આપવામાં આવી છે. એસીક હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓને સારવાર માટે ખર્ચની કોઈ મર્યાદા વિના સંપૂર્ણ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં માંદગી, અસ્થાયી અપંગતા અને માતૃત્વ લાભોનો પણ સમાવેશ થાય છે.
સેમિનાર દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉદ્યોગો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વ્યવહારુ પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા. એસીકના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે કાયદાકીય જોગવાઈઓ મુજબ પાત્ર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ આ યોજના હેઠળ કવરેજ મળશે, જ્યારે એપ્રેન્ટિસ એકટ હેઠળના તાલીમાર્થીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કચ્છમાં એસીકની પોતાની હોસ્પિટલ ન હોવાના પ્રશ્ને અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક સારવાર સરકારી સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતેથી મળશે, જ્યારે દ્વિતીય અને તૃતીય સ્તરની સારવાર માટે જિલ્લાની અનેક ખાનગી હોસ્પિટલો સાથે ટાઈ-અપ અને સૂચિબદ્ધ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વધુમાં, જો કર્મચારી કચ્છમાં કાર્યરત હોય તો તેને અહીં અને દેશના કોઈપણ ખૂણે વસતા તેના પરિવારજનોને ત્યાં જ સારવાર મળી શકશે. ફોકિયા અને એસીક વચ્ચેનો આ સંવાદ કચ્છના ઉદ્યોગોમાં કાયદાકીય અનુપાલન સરળ બનાવવા અને કર્મચારીઓની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
------- 

Comments

COMMENT / REPLY FROM