ભક્તામર માત્ર સ્તોત્ર નથી, પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડતી પવિત્ર સાધના છે : મુનિ નયશેખર મહારાજ સાહેબે
નાલાસોપારા પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘના આંગણે આંતરરાષ્ટ્રીય ભક્તામર દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી
મુંબઈ - કચ્છઉદય : નાલાસોપારા પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘના આંગણે આંતરરાષ્ટ્રીય ભક્તામર દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૯ કલાકે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સામૂહિક રીતે શ્રી ભક્તામર સ્તોત્રનું પાઠ કરવામાં આવ્યો હતો.
વિશ્વ ભક્તામર દિવસના વિશેષ પ્રસંગે જૈન અનુષ્ઠાન શ્રી નિકુંજભાઈ પંડિતજી દ્વારા અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલ ભક્તામર કુંભ, જેના પર બાર કરોડ એકાવન લાખ જાપ કરવામાં આવ્યા છે, તેવા પવિત્ર ભક્તામર કુંભની ઉપસ્થિતિમાં શ્રાવક-શ્રાવિકાઓએ સામૂહિક રીતે ભક્તામર સ્તોત્રના પાઠ કરી ભાવપૂર્વક આરાધના કરી હતી. ભક્તામર સ્તોત્રમાં કુલ ૪૪ ગાથાઓ હોવાથી તેના અનુસંધાને ૪૪ સાથિયા, ફળ, નૈવેદ્ય તથા દીપક અર્પણ કરીને વિશેષ આરાધના કરવામાં આવી હતી. ભક્તામર સ્તોત્રના જાપ અને આરાધના બાદ ૫૫ રૂપિયાનું સંઘપૂજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ.પૂ. મુનિરાજ નયશેખર મહારાજ સાહેબે આંતરરાષ્ટ્રીય ભક્તામર દિવસના મહિમા અંગે જણાવ્યું હતું કે, ભક્તામર સ્તોત્રના રચયિતા જૈનાચાર્ય માનતુંગસૂરી મહારાજા હતા. ભક્તામર માત્ર સ્તોત્ર નથી, પરંતુ આત્માને પરમાત્મા સાથે જોડતી ભક્તિની એક પવિત્ર સાધના છે. શ્રદ્ધા, નિયમ અને ભાવપૂર્વક કરવામાં આવતું ભક્તામરનું સ્મરણ જીવનમાં આધ્યાત્મિક ઊર્જા અને શાંતિનો અનુભવ કરાવે છે. ભક્તામરની દરેક ગાથા સાધકને પરમાત્માના ગુણોનું ચિંતન કરાવી આત્મકલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. આંતરરાષ્ટ્રીય ભક્તામર દિવસ નિમિત્તે રાજ્યના વિવિધ જૈન સંઘો તથા જૈન તીર્થસ્થાનોમાં પણ ભક્તામર સ્તોત્રનું સામૂહિક સ્મરણ, પાઠ અને જાપ કરવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પાવન પ્રસંગે શંખેશ્વર જહાજ મંદિર ખાતે અષાઢીય પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય આંગી રચના કરવામાં આવી હતી, જેના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. આ રીતે આંતરરાષ્ટ્રીય ભક્તામર દિવસ નિમિત્તે નાલાસોપારા સહિત વિવિધ જૈન સંઘો અને તીર્થધામોમાં ભક્તિ, આરાધના અને સામૂહિક જાપ દ્વારા શ્રી ભક્તામર સ્તોત્રનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો.
-----------

Comments