Trending News
શિક્ષણ સમાચાર

કચ્છ જિલ્લામાં ૧૯૦૪ શિક્ષકોની ઘટ, ૨૯૪ શાળાઓ એક જ શિક્ષકના સહારે

11 September


જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષી નેતા રાજેશભાઈ આહીરે શિક્ષણ સહિતના વિવિધ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા : તંત્રએ આપ્યા જવાબો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશભાઈ આહીરે શિક્ષણ વ્યવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછયા હતા. આ પ્રશ્નોના જવાબમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ સહિતની સ્થિતિ અંગે લેખિત વિગતો રજૂ કરી હતી.
તંત્રના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં કુલ ૧૯૦૭ શિક્ષકોની ઘટ છે, જેમાં ધોરણ ૧થી પમાં કચ્છના ૧૦ તાલુકામાં ૧૬૩૧ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જ્યારે ધોરણ ૬થી ૮માં ૧૦ તાલુકામાં ૨૭૬ શિક્ષકોની ઘટ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ૨૯૪ પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જવાબમાં જણાવ્યું હતું. રમતગમતની સુવિધા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કચ્છની ર ર૬ પ્રાથમિક શાળાઓમાં રમતગમતના મેદાનો ઉપલબ્ધ ન હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. શિક્ષકોની ભરતી અને બદલી અંગેના પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે, શિક્ષણ સમિતિની પૂર્વ મંજૂરી મેળવી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈઓને ધ્યાને લઈને ૫૦ ટકા મહેકમ પૂરતું જળવાતું હોય તેવી શાળાઓમાંથી બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષકોની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. શિક્ષણ સમિતિ દ્વારા ભરતી સત્વરે કરવા રાજ્ય કક્ષાએ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. હાલ શિક્ષકોની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર કક્ષાએ પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ઘટ પૂરાઈ જશે તેવો જવાબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લેખિત આપવામાં આવ્યો હતો. 
-------

Comments

COMMENT / REPLY FROM