Trending News
સ્થાનિક સમાચાર

૧૧ ઉમેદવારોને ૧૧ લાખ મતદારોએ આપેલા મત હવે સ્ટ્રોંગરૂમમાં સીલ 

08 May



ર૭ દિવસ સુધી ભુજની ઈજનેરી કોલેજમાં મતપેટીઓ માટે સઘન સુરક્ષા : ઠેકઠેકાણે હારજીતના ગણિતના સમીકરણો મંડાયા : આખી રાત ફરજ પરના અધિકારી - કર્મચારી ખડેપગે રહ્યા : ઈવીએમ અને વીવીપેટ ઉમેદવારોના પ્રતિનિધિની હાજરીમાં વીડિયો ગ્રાફી સાથે સીલ થયા બાદ તંત્રએ અનુભવ્યો હાશકારો 


ભુજ : કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ બેઠક પર નોંધાયેલા ૧૯.૪૩ લાખ મતદારો પૈકી ૧૧ લાખ મતદારે પોતાની ફરજ અદા કરતાં જિલ્લામાં મતદાનની ટકાવારી પ૭ ટકા નોંધાઈ છે. વર્ષ ર૦૧૯ની ચૂંટણી કરતાં સરેરાશ બે ટકા મતદાન ઓછું છે. જો કે, ગત ટર્મની તુલનાએ આ વખતે મતદારોની સંખ્યા વધારે હોવાથી મતદાન ગત ટર્મ જેટલું જ થયું હોવાનો સૂર છે. ગઈકાલે ૬ કલાકે મતદાન સંપન્ન થયા બાદ તમામ બૂથ પર પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટ સીલ કરાયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે ભુજની ઈજનેરી કોલેજમાં લાવવામાં આવ્યા હતા. તમામ ઈવીએમ અને વીવીપેટ સાથે બુથની ટીમ પ્રથમ તાલુકા મથકે અને ત્યાંથી ભુજ પહોંચી હતી. નવાઈની વાત એ છે કે, મોરબી વિધાનસભા મત વિસ્તાર કચ્છ લોકસભામાં સમાવિષ્ટ હોવાથી ત્યાંથી પણ મત પેટીઓ ભુજ લાવવામાં આવી હતી. મોરબી, રાપર, અંજાર, ગાંધીધામ, ભુજ, માંડવી અને અબડાસા વિધાનસભા વિસ્તારની મત પેટીઓ મોડી રાત્રે ભુજ પહોંચ્યા બાદ જરૂરી દસ્તાવેજી કામગીરી સંપન્ન થયા બાદ તમામ મત પેટીઓ સ્ટોંગ રૂમમાં યોગ્ય રીતે ગોઠવવામાં આવી, જે બાદ આજે સવારે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અમીત અરોરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ, ભુજ વિધાનસભા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ રાજકીય પક્ષ અને અપક્ષના ૧૧ ઉમેદવારના પ્રતિનિધિની હાજરીમાં સ્ટોગ રૂમમાં મત પેટીઓ રખાયા બાદ રૂમને સીલ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયાની વીડિયો ગ્રાફી પણ કરવામાં આવી છે. હવેથી આગામી ર૭ દિવસ સુધી સ્ટોંગ રૂમ તેમજ સમગ્ર ઈજનેરી કોલેજની ફરતે સીઆઈએસએફ જવાનોનો પહેરો રહેશે. આ વિસ્તારમાં કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે. તેમજ સ્ટોંગરૂમ આસપાસ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આગામી ૪ જુનના મત ગણતરી ભુજની ઈજનેરી કોલેજમાં થવાની છે, ત્યાં સુધી કચ્છ લોકસભા લડનારા ૧૧ ઉમેદવારોને જિલ્લાના ૧૧ લાખ મતદારોએ આપેલા જનાદેશનો રાઝ અકબંધ રહેશેે. ૪ જુનના પેટીઓ ખુલ્યા બાદ મતદારો કોની તરફ વળ્યા છે તે ખબર પડશે ત્યાં સુધી રાજકીય પક્ષો ગામડા અને શહેરમાંથી અહેવાલ મેળવી હાર - જીતના સમીકરણોની ગોષ્ઠી કરશેે તેમજ સામાન્ય જનતા આ વખતે કોણ જીતશે તેની પર તુક્કો લગાવશે. આ વચ્ચે ઈવીએમ અને વીવીપેટ સ્ટોગ રૂમમાં સીલ થઈ જતાં ચૂંટણી ફરજમાં રોકાયેલ તમામ અધિકારી - કર્મચારી, સુરક્ષા જવાનોએ હાશકારો અનુભવ્યો હતો. હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. 

Comments

COMMENT / REPLY FROM