૫શ્ચિમ કચ્છ પોલીસની ધાક બેસાડતી કામગીરી
‘તળાવોની આડ’ અને ગેરકાયદેસર ખનન પર તંત્રનો સપાટોઃ માફિયાઓ ભૂગર્ભમાં : ચીભડ તત્વો પણ બચતા નથી : પશ્ચિમ કચ્છમાં ખનીજચોરી સામે પોલીસની આકરી ઝુંબેશ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લો કુદરતી સંપદા અને ખનીજ ભંડારોથી સમૃદ્ધ પ્રદેશ છે, પરંતુ લાંબા સમયથી આ કુદરતી સંપત્તિ પર ગેરકાયદેસર ખનન અને ખનીજચોરીનું ગ્રહણ લાગતું રહ્યું છે. કાયદાની છટકબારીઓ, ‘તળાવોની મંજૂરી’ જેવી ટેકનિકલ આડ અને સ્થાનિક સ્તરે ગોઠવાયેલા કહેવાતા ‘અમુક વહીવટદાર’ તંત્રના જોરે ખનીજમાફિયાઓ બેફામ બન્યા હતા. જોકે, તાજેતરના દિવસોમાં પશ્ચિમ કચ્છમાં જે રીતે જિલ્લા પોલીસ વડા વિકાસ સુડાના માર્ગદર્શન હેઠળ તેમનીની ટીમ, એલસીબી અને સ્થાનિક પોલીસ સહિત ઠેર ઠેરસપાટો બોલાવ્યો છે, તેનાથી ખનીજચોરોની આખી આલમમાં સન્નાટો પ્રસરી ગયો હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે.
લાંબા ગાળા બાદ પશ્ચિમ કચ્છમાં પોલીસ અને વહીવટી તંત્રની આવી ધાક બેસાડતી કામગીરી જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટરની કડકાઈ અને પોલીસની સતત વોચના કારણે અગાઉ જે પ્રવૃત્તિઓ ‘મંજૂરી’ના નામે ધમધમતી હતી તેને પણ બ્રેક લાગી ગઈ છે. નાના-મોટા ચીભડતત્વો જો ક્યાંક ચોરી છૂપીથી ખનીજ વહન કરવાની હિંમત કરે તો પણ તુરંત ઝડપાઈ રહ્યા છે. પરિણામે મોટાભાગની ગેરકાયદેસર ખનીજચોરી ઠપ્પ થઈ છે, વાહનોના પૈડાં થંભી ગયા છે અને માફિયા તત્ત્વોમાં કાયદાનો ડર પેઠો છે.ખનીજચોરી માત્ર સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો જ નથી લગાવતી, પરંતુ પર્યાવરણ, જમીનના સ્તર અને ગ્રામ્ય રસ્તાઓને પણ ભારે નુકસાન પહોંચાડે છે. ઓવરલોડ ડમ્પરો અને બેફામ દોડતા વાહનો અકસ્માતોને પણ નોતરું આપતા હોય છે. તેવા સમયે પોલીસની આ સક્રિયતા અને નિષ્પક્ષ કાર્યવાહી ખરેખર આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે. પશ્ચિમ કચ્છમાં લાંબા સમય બાદ ગેરકાયદેસર ખનીજ વહન અને ખનન સામે પોલીસની કડક અને ધાક બેસાડતી કાર્યવાહી જોવા મળી રહી છે. પશ્ચિમ જિલ્લા પોલીસની ટીમ, એલસીબી અને સ્થાનિક પોલીસ સહિત અબડાસા, લખપત, માંડવી, ખાવડા સહિતમાં પોલીસની સક્રિયતાને કારણે ખનીજમાફિયાઓમાં ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે. હાલની સ્થિતિએ મોટાભાગની ગેરકાયદેસરખનીજચોરી ઠપ્પ થઈ ગઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. સૂત્રો અને જાણકારોના જણાવ્યા અનુસાર, અગાઉ તળાવોની મંજૂરી કે ટેકનિકલ આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કલેક્ટરની કડકાઈ અને પોલીસની સતત તવાઈના કારણે બ્રેક લાગી છે. પાછલા અમુક સમયથી કલેકટરશ્રી દ્વારા ખનીજચોરીને ડામવાની દીશામાં થઈ રહેલી કડક કાર્યવાહી અને પશ્ચીમ કચ્છ પોલીસ દ્વારા લાલઆંખ ભરી કાર્યવાહી થકી ખનીજચોરી તો મોટાભાગની બંધ જ થવા પામી ગઈ છે પરંતુ બીજીતરફ ખનીજચોરીના કૌભાંડો સાથે સંકળાયેલા નીચલા સ્તરના નેટવર્કમાં પણ ફફડાટ ફેલાયો છે. લાંબા ગાળા બાદ થયેલી આ સઘન કાર્યવાહીથી ખનીજચોરોની કમર તૂટી ગઈ હોવાની ચર્ચા છે. અનેક વાહનો બંધ પડી જવાથી કે ડેમરેજ ચડવાની સ્થિતિ સર્જાતા કેટલાક લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.સરહદી અને સંવેદનશીલ એવા પશ્ચિમ કચ્છમાં કુદરતી સંપદા અને સરકારી મહેસૂલના રક્ષણ માટે પોલીસની આ કડક અને ધાક બેસાડતી કામગીરી સરાહનીય
ઠરી રહી છે.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.