Trending News
સ્થાનિક સમાચાર

અજાપર નજીક ટ્રકની હડફેટે બાઇક આવતાં ત્રણ કિશોરોનાં કરૂણ મોત

16 November



પ્લાયવુડ ફેક્ટરી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માતઃ ૧૪થી ૧૬ વર્ષના ત્રણ કુટુંબી ભાઈઓનાં મોતથી અજાપર સહિત ચાર ગામોમાં શોકનું મોજું

અંજાર - કચ્છઉદય : તાલુકાના અજાપર ગામ નજીક બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં બાઇક પર સવાર ત્રણ કિશોરોનાં મોત નીપજ્યાં હતાં. અજાપરથી ટપ્પર તરફ જતી વખતે પ્લાયવુડ ફેક્ટરી પાસે બાઇક ટ્રકની હડફેટે આવી હતી. મૃતકોમાં નાડાપાના માધવ ઘના રબારી (ઉં.વ.૧૬), વરસામેડીના ઈશ્વર કમા રબારી અને નિરોણાના ઉદેવ રામા રબારી (ઉં.વ.૧૪)નો સમાવેશ થાય છે. ત્રણેય કિશોરો કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવાર સાથે સંકળાયેલા ત્રણ કિશોરોના અકાળે મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. અજાપર, નાડાપા, વરસામેડી અને નિરોણા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. બનાવ અંગે અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકની નીચે બાઈક આવી જવાના કારણે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ કિશોરોના મોત થયા હતા.
 એક સાથે ત્રણ કિશોરના મોત થતા પરિવારમાં શોકનું લખલખું પ્રસરી ગયું હતું. ટ્રક નંબર જી.જે. ૧ર એવાય ૯૬પપ હડફેટે બાઈક આવી જતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પરિવારો શોકમાં ગરકાવ હોવાથી વધુ વિગતો સામે આવી શકી નથી.
પોલીસ દ્વારા બનાવ કેવા સંજોગોમાં બન્યો તે જાણવા માટે સ્થાનીકોના નિવેદન અને કેમેરા ફુટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 
આ બાબતે કેસાભાઈ રબારીએ વિગતો આપતા જણાવેલ કે, ગઈકાલે જ વરસામેડીમાં સગાઈનો કાર્યક્રમ હતો. તે પ્રસંગે પરિવારજનો એકઠા થયા હતા. આજે આ ત્રણેય માસીયાઈ ભાઈઓ ભેગા હતા ત્યારે આ કરૂણાંતિકા 
સર્જાઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM