Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકા મેયરના અધ્યક્ષસ્થાને વીજપાસરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

30 October


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો

ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમના ભાગરૂપે ભચાઉ તાલુકાના વીજપાસર રામમંદિર ખાતે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. 
આ પ્રસંગે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને મળતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં ઉપયોગી બને છે. કાર્યક્રમમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ૫ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ બનાસકાંઠા ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા, મામલતદાર મોડસિંગ રાજપૂત, ખરીદ વેચાણ સંઘના મંત્રી શંકરભાઇ રબારી, આગેવાન સુરેશભાઇ મકવાણા, જોરાભાઇ દેસાઇ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, આગેવાનો, ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments

COMMENT / REPLY FROM