Trending News
સ્થાનિક સમાચાર

જોધપુરથી ગાંધીધામ આવતી લક્ઝરી બસમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

26 October


ભુજ - કચ્છઉદય : તહેવારોની સિઝનમાં કચ્છમાં વિદેશી દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાની શંખેશ્વર પોલીસે રવિવારે પરોઢે જેસડા હાઇવે પરથી જોધપુરથી વાયા માળિયા થઈ ગાંધીધામ આવતી લક્ઝરી બસમાંથી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શરાબની હેરાફેરી માટે બસમાં ખાસ પ્રકારનાં વેલ્ડિંગ કરેલાં ચોરખાનાં બનાવવામાં આવ્યાં હતાં, જેને તોડવા માટે પોલીસે સ્થળ પર વેલ્ડર બોલાવવો પડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, શંખેશ્વર પીઆઈ અને તેમની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે સમી તરફથી આવતી અરુણાચલ પ્રદેશ પાસિંગની લક્ઝરી બસને અટકાવી હતી. બસ ચાલકની પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસને શંકા ગઈ હતી. બસને પોલીસ સ્ટેશન લાવી સઘન તપાસ કરતા જાણવા મળ્યું કે, બસની સાઈડમાં ખાસ પ્રકારનાં ચોરખાનાં બનાવી તેને વેલ્ડિંગ કરીને ઉપર કલર કરી દેવાયો હતો. પોલીસે તાત્કાલિક વેલ્ડરને બોલાવી આ ખાનાંઓ ખોલાવતા અંદરથી શરાબનો મસમોટો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુરથી વાયા માળીયા થઈ ગાંધીધામ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બસ ચાલક બીજારામ ઓમારામ ચૌધરી (રહે. ઢાઢણી, જિ. જોધપુર) ની ધરપકડ કરી છે. જ્યારે બસમાં સવાર અન્ય એક શખ્સ ધર્મેપાલસિંહ કેશરીસિંહ રાઠોડ (રહે. ભુરડીયા, બાડમેર) અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર આરોપી, શરાબ મોકલનાર કિશનસિંહ દીપસિંહ ગોગાદેવ (રહે. કીતુ ધીરપુરા, જોધપુર) અને ગાંધીધામ ખાતે શરાબનો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ એમ કુલ ૪ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શંખેશ્વર પોલીસે ચોરખાનાંઓમાંથી વિદેશી દારૂની ૮૫ પેટી અને બિયરની ૨૧૨ પેટી મળી કુલ ૬,૦૬૧ નંગ દારૂ-બિયરના ટીન તથા બોટલો જપ્ત કરી છે. જેની અંદાજિત કિંમત રૂ. ૧૨,૧૨,૩૦૦ આંકવામાં આવી છે. શરાબ ઉપરાંત લક્ઝરી બસ અને મોબાઈલ ફોન મળીને પોલીસે કુલ રૂ. ૨૨,૧૭,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

Comments

COMMENT / REPLY FROM