Trending News
સ્થાનિક સમાચાર

શિવાલિકા ગ્રુપની સરાહનીય પહેલઃ નવરાત્રિના પાસની આવક ગૌસેવા માટે અર્પણ કરાશે

19 October


નવરાત્રી મહોત્સવના એન્ટ્રી પાસની રકમ બાજુમાં આવેલા ત્રણ ગામની ગૌશાળાઓને દાન કરવાનો નિર્ણય

ભુજ-કચ્છઉદય : ભુજ નજીક શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત કોમર્શિયલ નવરાત્રિમાં માનવતા, સામાજિક જવાબદારી અને ગૌસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. નવરાત્રિ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોમાં વધતા જતા વ્યાપારીકરણ વચ્ચે શિવાલિકા ગ્રુપે એક સરાહનીય પહેલ કરીને ત્રણ ગામની બહેન - દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવાની જાહેરાત કર્યા બાદ અંતિમ દિવસે ત્રણેય ગામના લોકો પાસ ખરીદીને ગરબીમાં જોડાય અને તેમાંથી એકત્ર થનારી સમગ્ર રકમ ગૌમાતાના લાભાર્થે ત્રણેય ગામની ગૌશાળાઓને અર્પણ કરવાનો નિર્ણય લીધો હતો. 
શિવાલિકા ગ્રુપના ચેરમેન અંકિત ગોસ્વામીએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે નવરાત્રિનો ઉત્સવ માત્ર વ્યવસાયનું માધ્યમ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું પણ એક ઉત્તમ માધ્યમ બની શકે છે. જોકે ગત દિવસે સ્થળ પર વ્યવસ્થાની જવાબદારી ગ્રામજનોને સોંપવામાં આવી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ફરીથી આયોજકો અને ગ્રામજનો વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણેય ગામના અગ્રણીઓની સહમતીથી નિર્ણય લેવાયો કે નવરાત્રિના અંતિમ દિવસે ત્રણેય ગામમાંથી આવનારા લોકો પાસ ખરીદીને જ પ્રવેશ મેળવશે, પરંતુ પાસના વેચાણમાંથી એકત્ર થનારી સમગ્ર રકમ ગૌસેવા માટે વાપરવામાં આવશે. આ નિર્ણય મુજબ કાળી તલાવડી ગામના લોકોના પાસના વેચાણમાંથી એકત્ર થનારી રકમ તે જ ગામની ગાયોના લાભાર્થે ફાળવવામાં આવશે. તેવી જ રીતે લાખોંદ ગામમાંથી એકત્ર થનારી રકમ લાખોંદની ગાયો માટે અને પધ્ધર ગામમાંથી એકત્ર થનારી રકમ પધ્ધર ગામની ગાયો માટે દાન કરવામાં આવશે. આમ ત્રણેય ગામના લોકોની ભાગીદારીથી એકત્ર થનારી રકમ સ્થાનિક ગૌશાળાઓને અર્પણ કરીને ગૌસેવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવશે.
આજના સમયમાં અનેક સ્થળોએ નવરાત્રિનું આયોજન વધુને વધુ વ્યાપારી સ્વરૂપ ધારણ કરી રહ્યું હોવાની, પ્રવેશ પાસથી લઈને સ્થળ પર મળતી ખાણી-પીણીની વસ્તુઓના ભાવને લઈને લોકોમાં અસંતોષની અને દૂરના સ્થળોએ યોજાતી ગરબીઓમાં અન્ય વિકલ્પોના અભાવની ફરિયાદો પણ ઉઠતી રહે છે. આવા સંજોગોમાં શિવાલિકા ગ્રુપ દ્વારા વ્યાજબી પ્રવેશ વ્યવસ્થા સાથે પાસની આવક ગૌમાતાની સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય પ્રશંસાને પાત્ર બન્યો છે. ધાર્મિક ઉત્સવને સામાજિક સેવાની ભાવના સાથે જોડવાનો આ પ્રયાસ અન્ય આયોજકો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. શિવાલિકા ગ્રુપની આ પહેલથી નવરાત્રિની ઉજવણી સાથે ગૌસેવાનું કાર્ય પણ વેગ પામશે અને સમાજમાં સેવાભાવના સંદેશનો પ્રસાર થશે. 
--------

Comments

COMMENT / REPLY FROM