રાપરના ગ્રામીણ વિસ્તારોમાંથી બેફામ રેતીની ચોરી : તંત્રવાહકો દ્વારા આંખ આડા કાન ?
વાગડમાં ખનીજ માફિયાઓ બેફામ
ઓવરલોડ ડમ્પરોની બેરોકટોક દોડ અને નેતા-માફિયાની મિલીભગતની આશંકા
નવનિયુક્ત વહીવટી અધિકારી આ મામલે તાત્કાલિક કરે હસ્તક્ષેપ : ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત દરોડા પાડીને ગેરકાયદે ખનન બંધ કરાવે : આરટીઓ વિભાગ દ્વારા નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ દોડતા ડમ્પરો પર કડક કાનૂની સિકંજો કસવામાં આવે : સ્થાનિકો દ્વારા કરાઈ માંગ
રાપર - કચ્છઉદય : કચ્છના વાગડ વિસ્તારમાં ખનીજ ચોરો અને માફિયાઓનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે સામાન્ય પ્રજા અને જાગૃત નાગરિકો લાચાર બની ગયા છે. ખાસ કરીને પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી કોઈપણ જાતના ડર કે ખોફ વગર મોટા પાયે બેરોકટોક ગેરકાયદેસર રેતીની ચોરી કરવામાં આવી રહી છે. રાપર તાલુકાના પલાસવા, ભીમાસર, આડેસર સહિતના અનેક ગ્રામીણ વિસ્તારોમાંથી દિનપ્રતિદિન લાખો અને કરોડો રૂપિયાની કિંમતની રેતીની ખુલ્લેઆમ તસ્કરી થઈ રહી છે અને રાતોરાત આ કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં આ બાબતે તીવ્ર રોષ વ્યાપેલો છે કારણ કે પ્રકૃતિના ભોગે થઈ રહેલી આ લૂંટના કારણે સમગ્ર વિસ્તારની ભૌગોલિક અને પર્યાવરણીય સ્થિતિ પણ જોખમાઈ રહી છે.
પરિસ્થિતિની ગંભીરતા એ વાત પરથી વર્તાય છે કે દરરોજ રાત્રિના અંધારાનો લાભ લઈને રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો ગ્રામીણ વિસ્તારના નાના અને કાચા-પાકા રસ્તાઓ પરથી પુરપાટ ઝડપે દોડી રહ્યા છે. ચોંકાવનારી અને કાયદો-વ્યવસ્થાની ધજાગરા ઉડાવતી બાબત તો એ છે કે આમાંથી મોટાભાગના ડમ્પરો પર કોઈ નંબર પ્લેટ પણ હોતી નથી છતાં આરટીઓ કે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ વાહનોને અટકાવવાની કે તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની તસદી લેવામાં આવતી નથી. ઓવરલોડ વાહનોની સતત અને ભારે અવરજવરને કારણે ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર અને ખાડાટેકરાવાળા બની ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને સામાન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા છે અને આંખ આડા કાન કરીને બેઠા છે.
આ સમગ્ર કૌભાંડ માત્ર કેટલાક નાના-મોટા માફિયાઓ પૂરતું સીમિત નથી, પરંતુ સૂત્રો પાસેથી મળતી અત્યંત ચોંકાવનારી વિગતો મુજબ આ રેતી ચોરોએ મોટા ગજાના સ્થાનિક રાજકારણીઓ સાથે હાથ મિલાવીને એક મોટું અને સંગઠિત ષડયંત્ર રચ્યું છે. રાજકીય આશીર્વાદ અને સંરક્ષણને કારણે જ આ ખનીજ માફિયાઓનું મનોબળ સાતમા આસમાને પહોંચ્યું છે. સ્થાનિક સૂત્રો દ્વારા એવું પણ બહાર લાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં આ જ વિસ્તારના એક પોલીસ કર્મીએ ખનીજ માફિયાઓ અને તંત્ર વચ્ચે ’વહીવટદાર’ તરીકેની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ ખાખી વર્ધી છોડીને રાજકારણમાં આવવાના મોટા સપના જોયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ જ કુખ્યાત વ્યક્તિ હાલમાં ફરી એક વખત પડદા પાછળથી ખનીજ ચોરો અને તંત્ર વચ્ચે મુખ્ય વહીવટદાર તરીકે ગોઠવાઈ ગયો છે અને સમગ્ર નેટવર્કને ચલાવી રહ્યો છે.
આ વિસ્તારમાંથી રાત-દિવસ કરોડો રૂપિયાની કિંમતની ખનીજ અને રેતીની ચોરી થઈ રહી હોવા છતાં ખાણ-ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર અને દંડનાત્મક કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ ચૂપકીદી અને શંકાસ્પદ નિષ્ક્રિયતા પાછળ ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મોટો ખેલ ચાલી રહ્યો હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. વાગડ અને રાપર તાલુકાની મૂલ્યવાન કુદરતી સંપત્તિની થતી આ ખુલ્લેઆમ લૂંટફાટ તાત્કાલિક અટકે તે માટે હવે જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી રહી છે કે નવનિયુક્ત વહીવટી અધિકારીઓ આ મામલે અંગત રસ લઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરે. ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સઘન દરોડા પાડીને આ ગેરકાયદે ખનન કાયમી ધોરણે બંધ કરાવવામાં આવે તેમજ આરટીઓ વિભાગ દ્વારા નંબર પ્લેટ વગરના અને ઓવરલોડ દોડતા ડમ્પરો પર કડક કાનૂની સિકંજો કસીને ભારે દંડ ફટકારવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ છે. જો સમયસર આ તમામ વિભાગો દ્વારા કોઈ સખત અને સઘન કાર્યવાહી કરવામાં નહીં આવે, તો વાગડ વિસ્તારની જનતા આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટદારો સામે રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉગામશે તેવી ગંભીર ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.
......

Comments