Trending News
ક્રાઈમ

ગાંધીધામમાં કરોડોની છેતરપિંડીની ફરીયાદ : ૪.૬૬ કરોડથી વધુ રકમનો હિસાબ ન આપી ખોટા ટ્રાન્ઝેક્શન બનાવી વિશ્વાસઘાત અને ધમકીનો ગુનો

10 October



 કાર લોન, હાથ ઉછીના નાણાં અને વીમાના કમિશનની રકમ હડપ કરી જાનથી મારી નાખવાની ધમકી : સેક્ટર-૨ ના રહેવાસી જેમ્સ ઠક્કરે ભાર્ગવ ઠક્કર સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ગંભીર ફરિયાદ

ગાંધીધામ : ગાંધીધામ શહેરમાં વેપારી વર્તુળોમાં ચકચાર મચાવતી એક મોટી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખો-કરોડો રૂપિયાના વ્યવહારોમાં હેરાફેરી કરી, કરોડોની રકમનો હિસાબ ન આપીને ખોટા ડિજિટલ ટ્રાન્ઝેક્શન બનાવવાનો ગંભીર મામલો નોંધાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીધામના સેક્ટર-૨ વિસ્તારમાં રહેતા જેમ્સ હરિલાલ ઠક્કરે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, આરોપી ભાર્ગવ મહેન્દ્રભાઈ ઠક્કરે વિવિધ આર્થિક વ્યવહારોના નાણાં પરત આપ્યા ન હતા અને લાંબો સમય સુધી માત્ર ખોટા વાયદાઓ જ કર્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપી ભાર્ગવ ઠક્કર પાસે કુલ ૪,૬૬,૧૭,૯૮૨/- (ચાર કરોડ છાસઠ લાખ સત્તર હજાર નવસો બ્યાસી રૂપિયા) ની માતબર રકમ બાકી હતી. આ રકમમાં મુખ્યત્વે કાર લોન પેટે ચૂકવેલા નાણાં, અગાઉ હાથ ઉછીના લીધેલા નાણાં, વીમાનું કમિશન અન્ય વ્યાપારી અને બેન્કિંગ વ્યવહારોની લેવડ-દેવડનો સમાવેશ છે. આટલી મોટી રકમનો હિસાબ માંગવા છતાં આરોપીએ નાણાં પરત આપ્યા નહોતા અને આર્થિક ગોટાળા કર્યા હતા.આ કેસમાં છેતરપિંડીનું સ્તર ત્યારે બહાર આવ્યું જ્યારે આરોપીએ ભોગ બનનારને ફર્મના બેંક એકાઉન્ટના ખોટા (બનાવટી) ટ્રાન્ઝેક્શન બનાવીને તે એકાઉન્ટન્ટને વોટ્‌સએપ પર મોકલી આપ્યા હતા. આ ડિજિટલ છેતરપિંડી પકડાઈ જતાં અને હિસાબ અંગે ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહીં, રકમ બાબતે ખરાઈ કે નાણાંની માંગણી કરતાં આરોપી દ્વારા ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.કરોડો રૂપિયાના આ આર્થિક ગોટાળા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનાને પગલે ગાંધીધામ પોલીસે આરોપી ભાર્ગવ મહેન્દ્રભાઈ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ સંડોવણી છે કે કેમ અને નાણાં ક્યાં વપરાયા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM