Trending News
સ્થાનિક સમાચાર

નશાકારક દવાઓ પર એફડીસીએનો સપાટો

09 October



કચ્છમાં પણ નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ અટકાવવા કડક તપાસની માંગ

કરજણ-સુરતમાં ૪૨ લાખથી વધુનો દવાનો જથ્થો જપ્ત :  સુરત અને વડોદરાની કાર્યવાહી બાદ કચ્છમાં પણ એફડીસીએ આવી તકેદારી દાખવે તે અનિવાર્ય


ભુજ - કચ્છઉદય : રાજ્યના નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નશાકારક દવાઓના દુરુપયોગને ડામવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (એફડીસીએ) દ્વારા વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદે દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી અંદાજિત ૪૨.૬ લાખ રૂપિયાથી વધુ કિંમતનો ગેરકાયદે દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે ગંભીર નિયમભંગ દાખવનાર બે પેઢીઓના લાઈસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે. રાજ્ય સ્તરે હાથ ધરાયેલી આ કડક કાર્યવાહી બાદ હવે કચ્છ જિલ્લામાં પણ આ પ્રકારે નશાકારક દવાઓના વેચાણ સામે સઘન ઝુંબેશ અને તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.મહારાષ્ટ્ર એનસીબી તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એફડીસીએની ટીમે કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળ આવતી એનરેક્સ કોડીન કફ સિરપની ૧૩,૯૩૮ બોટલો તથા ટ્રામાડોલની ૧૨,૨૪૦ ટેબ્લેટ્‌સનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. કાયદાના ગંભીર ઉલ્લંઘન બદલ આ પેઢીને તાત્કાલિક સીલ કરી તેના વેચાણ પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અત્યંત વિશાળ અને સરહદી વિસ્તાર ધરાવે છે, જ્યાં ઔદ્યોગિક વિસ્તારો તેમજ દૂર-સુદૂરના ગામડાઓમાં યુવાધન સુધી નશાકારક દવાઓ ન પહોંચે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પણ આવી તકેદારી રાખવી અનિવાર્ય છે. સુરત અને કરજણમાં જે રીતે બાતમીના આધારે લાખો રૂપિયાની નશાકારક દવાઓ પકડાઈ છે, તેને ધ્યાને રાખીને કચ્છના વિવિધ શહેરો અને સરહદી વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોર્સ તથા ફાર્મા વિતરણ કેન્દ્રો પર એફડીસીએ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ચકાસણી હાથ ધરાય તે સમયની માંગ છે. સુરતની ત્રણ પેઢીઓમાં તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ અને ટેબ્લેટ્‌સનું વેચાણ થતું હોવાનું ખૂલતાં ૨૯ લાખથી વધુનો જથ્થો જપ્ત કરી કાયદેસરના પગલાં લેવાયા છે. કચ્છમાં પણ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાકારક દવાઓ પર લગામ કસવા માટે રાજ્ય સ્તરની આ કાર્યવાહી ઉદાહરણરૂપ બની રહે તેમ છે. 

 

Comments

COMMENT / REPLY FROM