ખાવડાના આરી પાર્ક નજીક જીવલેણ અકસ્માત કાળમુખા ટ્રેઇલરે કામદારો ભરેલી બોલેરોને હડફેટે લેતા સાત શ્રમીકોના કમકમાટીભર્યા મોત
પોલીસ ચેકપોસ્ટથી આરી પાર્ક તરફ જતા માર્ગે મોડી રાત્રે સર્જાયેલી હૃદયદ્રાવક હોનારતમાં આક્રંદ સાથે અરેરાટી વ્યાપી : તમામ મૃતદેહોને પીએમ અર્થે ભુજ ખસેડાયા : પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
ભુજ - કચ્છઉદય : ખાવડા વિસ્તારમાં આવેલા આરી પાર્ક જવાના મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સુમારે એક અત્યંત કરૂણ અને હૃદયને કંપાવી મૂકે તેવી ગમખ્વાર માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. અંધારાના ઓછાયા વચ્ચે રોજગારી મેળવીને પરત ફરી રહેલા નિર્દોષ શ્રમિકો માટે આ રાત કાળરાત સાબિત થઈ હતી. આરી પાર્ક નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટથી થોડે દૂર શ્રમિકોને લઈને જઈ રહેલી એક બોલેરો ગાડીને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેઇલરે ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાળમુખા ટ્રેઇલરના ધડાકા સાથે બોલેરો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઘટનાસ્થળે જ અને સારવાર દરમિયાન મળીને એકસાથે સાત શ્રમિકોના કરૂણ અને કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર સરહદી વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી ફરી
વળી છે.અકસ્માતનો આ ધડાકો એટલો ભીષણ હતો કે મોડી રાત્રિની શાંતિ વચ્ચે દૂર દૂર સુધી તેનો ભયાનક અવાજ સંભળાયો હતો. આ દુર્ઘટના બનતાની સાથે જ બોલેરોમાં સવાર કામદારોની ચિચિયારીઓ અને કરૂણ ચીસોથી આખોય વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આ કમનસીબ બોલેરો ગાડીમાં ૨૫થી વધુ કામદારો સવાર થઈને પોતાના મુકામ તરફ જઈ રહ્યા હતા. આ અણધારી આફતમાં સાત લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે બોલેરોમાં સવાર અન્ય ઘણા કામદારોને નાની-મોટી તથા ગંભીર પ્રકારની શારીરિક ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો તથા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો તાત્કાલિક મદદ અર્થે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે લોહીલુહાણ હાલતમાં તરફડતા ઈજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢવાની અતિ મુશ્કેલ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ બિહામણા અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાવડા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ભુજની જનરલ હોસ્પિટલ ખાતે લાવવા માટે તબીબી અને પોલીસ તંત્ર દ્વારા ભારે કવાયત હાથ ધરવામાં આવી હતી. અકસ્માતની આ ગંભીરતાને જોતાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય કામદારોને વધુ વિશિષ્ટ સારવાર મળી રહે તે માટે પણ ભુજ રીફર કરવામાં આવ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરી પાર્ક ક્ષેત્રમાં આ પ્રકારનો સર્વપ્રથમ અને અતિશય મોટો ગમખ્વાર અકસ્માત નોંધાયો છે, જેના કારણે આખા પંથકમાં ભય અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાત્રિના અંધકારમાં ચીસ અને લોહીની હોળી ખેલાયા બાદ કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માત કઈ રીતે સર્જાયો, વાહનની ઝડપ કેટલી હતી અને કોઈની બેદરકારી હતી કે કેમ તે તમામ દિશાઓમાં ઊંડાણપૂર્વક સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિર્દોષ શ્રમિકોના આ રીતે અકાળે થયેલા અવસાનથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
.................
ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા વહીવટી તંત્ર ખડેપગે : કલેકટરશ્રી
ભુજ : ખાવડા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ ભુજ હોસ્પિટલ ખાતે પહોંચેલા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના ખાવડા ગામે ગઈ રાત્રિના સુમારે એક અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કંપનીના લેબર્સ (શ્રમિકો)ને લઈને જઈ રહેલી પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર વાહનમાં આશરે ૩૦ થી ૩૨ જેટલા લોકો પરિવહન કરી રહ્યા હતા. આ કરૂણ હોનારતમાં અત્યાર સુધીમાં ૭ જેટલી વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ભુજ સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની ગંભીરતાપૂર્વક સારવાર ચાલી રહી છે. સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને તબીબોની ટીમ સતત ખડેપગે રહીને સારવારની કામગીરી પર નજર રાખી રહ્યા છે, જેથી ઘવાયેલા શ્રમિકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરાયા છે.
.................
પોલીસે ક્રેન બોલાવી તાત્કાલિક રેસ્ક્યુ હાથ ધર્યું : પશ્ચિમ કચ્છ એસપી
ભુજ : ખાવડાના આરી પાર્ક માર્ગ પર સર્જાયેલી માર્ગ દુર્ઘટના અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે, આરી પાર્ક ચેકપોસ્ટથી પાર્ક તરફ જતા રસ્તા પર શ્રમિકો ભરેલા વાહનો વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર બાદ સંતુલન ગુમાવતા વાહન એકબીજા પર પલટી મારી ગયું હતું, જેથી અનેક શ્રમિકો નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આરી પાર્ક ચેકપોસ્ટ પર તૈનાત પોલીસ કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને નજીકના ઔદ્યોગિક એકમોમાંથી તાત્કાલિક ક્રેન મંગાવીને દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ કરૂણ હોનારતમાં ૭ શ્રમિકોના અવસાન થયા છે, જ્યારે અન્ય ૨૦ થી ૨૨ જેટલા ઈજાગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી રહી છે તથા આગળની કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે.
.........................
અકસ્માતના મૃતકોનો આંક ૮ પર પહોંચ્યો
ભુજ - કચ્છઉદય : ખાવડા નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં મરણ આંક ૮ થયો છે. આ અકસ્માતનો ભોગ બનેલા હતભાગીઓના પોસ્ટમોર્ટમ માટે તેમના મૃતદેહ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત રર જેટલા ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મોડેકથી હતભાગીઓના નામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં • બિરેરા જગદેવ પાસવાન (ઉ.વ.ર૧) (રહેેે. દહલા, ઉત્તરપ્રદેશ) • દેશરાજ સુજરલાલ પાસવાન (ઉ.વ.૪૮) (રહે. ખનેવા મિતોરા, યુપી), • સંદિપકુમાર ડી. પાસવાન (રહે. ખનેવા મિતોરા, યુપી) • કુલદીપકુમાર રાજકુમાર પાસવાન (ઉ.વ.૩૧) (રહે. ખનેવા મિતોરા, યુપી) • અનુપ ચેતરામ પાસવાન (ઉ.વ.ર૪) (રહે. બરૂવા) • અનિલ રામપાલ પાસવાન • કૈલાશ રામધન મંડલ (ઉ.વ.૪૬) (રહે. બિહાર) • મોહનપ્રસાદ ગયાપ્રસાદ પાસવાન (ઉ.વ.૪પ)નો સમાવેશ થાય છે.
..................
ઉચ્ચ અધિકારીઓ જી.કે. જનરલ હોસ્પિટલ દોડી ગયા
ભુજ : ખાવડાના આરી પાર્ક નજીક સર્જાયેલા ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ સત્તાધીશો પણ સંવેદનશીલ બની ઈજાગ્રસ્તોની મદદે પહોંચ્યા હતા. ઘટના અંગેની પ્રાથમિક જાણ થતાં જ કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા તેમજ ભુજ મામલતદાર તેજસ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ભુજની જે. કે. જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચીને તમામ ઉચ્ચ અધિકારીઓએ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકોની રૂબરૂ મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. આ સાથે જ તેમણે સારવાર કરી રહેલા તબીબો સાથે સીધી વાતચીત કરીને ઘાયલોને તાત્કાલિક, બહેતર અને જીવનરક્ષક સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. અકસ્માતનો ભોગ બનેલા પરિવારજનોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા હોસ્પિટલમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

Comments