Trending News
સ્થાનિક સમાચાર

સાબરમતી વેગન ડેપોમાં આધુનિક વેલ્ડિંગ તાલીમ

07 October


વાસ્તવિક વેલ્ડિંગ વિના ૩૬૦ ડિગ્રી આભાસી વાતાવરણમાં તાલીમની સુવિધા

અમદાવાદ - કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે વેલ્ડરોની કુશળતા અને કામગીરીની ગુણવત્તા વધારવા સાબરમતી વેગન ડેપોમાં મિશ્ર વાસ્તવિકતા આધારિત વેલ્ડિંગ સિમ્યુલેટર શરૂ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નિર્દેશ અનુસાર આ સુવિધાનો લાભ માત્ર સાબરમતી વેગન ડેપો સુધી મર્યાદિત રાખવામાં આવશે નહીં. મંડળના ગાંધીધામ, ભુજ તથા કાંકરિયા ખાતે આવેલા સી એન્ડ ડબ્લ્યુ ડેપોમાં કાર્યરત વેલ્ડરો તેમજ સંબંધિત જાળવણી સ્ટાફને પણ નિર્ધારિત બેચમાં સાબરમતી વેગન ડેપો ખાતે આવેલી આ અત્યાધુનિક પ્રશિક્ષણ સુવિધામાં પ્રશિક્ષણ આપવામાં આવશે.  સિમ્યુલેટરમાં વાસ્તવિક વેલ્ડિંગ ટોર્ચ સાથે ૩૬૦ ડિગ્રીના આભાસી વાતાવરણમાં તાલીમ લઈ શકાય છે. વાસ્તવિક વીજચાપ ન હોવાથી ધુમાડો, તણખા કે હાનિકારક વાયુનું જોખમ રહેતું નથી તથા સામગ્રીનો વપરાશ પણ થતો નથી. ટોર્ચનો કોણ, ગતિ અને વીજચાપની લંબાઈ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળે છે તેમજ વેલ્ડમાં પોરોસિટી, અન્ડરકટ, સ્પેટર અને પેનેટ્રેશન જેવી ખામીઓનું વિશ્લેષણ કરી શકાય છે.
સિમ્યુલેટરમાં સ્ટિક, મિગ-મેગ, ટિગ અને પ્લાઝ્‌મા કટિંગની સાથે વિવિધ સ્થિતિમાં વેલ્ડિંગની તાલીમ આપી શકાય છે. ભારતીય રેલવેના બોક્સન, હોપર, આવરિત વેગન તથા કોચના વિવિધ ભાગોની આભાસી રચનાઓ પણ ઉપલબ્ધ છે. પ્રાથમિકથી નિષ્ણાત સ્તર સુધીના તાલીમક્રમ અને કર્મચારીના પ્રદર્શનનો ડિજિટલ રેકોર્ડ જાળવવાની સુવિધા છે. આથી વેલ્ડિંગની ગુણવત્તા અને સલામતી સુધારવા ઉપરાંત ખામીયુક્ત વેલ્ડ તથા બિનજરૂરી સમારકામમાં ઘટાડો થવાની આશા છે. 
-----

Comments

COMMENT / REPLY FROM