જુઓ તો ખરા, ખનીજચોરો કેવા ફાટીને ફુલેકે ગયા છે : ગળપાદરમાં ખનીજચોરી-સરકારી ફરજમાં રૂકાવટ કરાઈ
ગળપાદર હાઈવે પર ડમ્પરચાલકે ગેરકાયદેસર મોરમ ખનીજ રોડ પર ખાલી કરી ફરારઃ ખનિજ ચોરી અને સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો
ખાટલે મોટી ખોટ : ખનીજચોરો આટઆટલી હિમંત લાવે છે કયાંથી? ખનીજ ચોરી અટકાવવા મુદે કોઈ કાર્યવાહી કરે તો તેની સામે પ્રતિકાર કરવો, વાહનો છોડાવી જવા કે પછી ખનીજના કર્મીઓ પર હુમલા કરી દેવાની કચ્છમાં વધતી ઘટનાઓના મુળમાં શું છે? નખત્રાણા વિસ્તારમાં ખનીજચોરોએ પ્રાંત અધિકારી પર પથ્થરમાર્યો કર્યાની તાજી જ બનેલી છે ઘટના..!
ગાંધીધામઃ મુંદ્રા પોર્ટથી ગળપાદર હાઈવે પર ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરીના અધિકારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી, બિન-અધિકૃત રીતે ભરેલ હર્ડ મોરમ ખનીજ જાહેર રસ્તા પર ખાલી કરી નાસી છૂટનારા ડમ્પર ચાલક અને બાઇક સવાર સામે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા (અંજાર)ના માઇન્સ સુપરવાઇઝર ગૌરાંગ જી. પરમાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, ગળપાદર ગામના પુલ નજીકથી પસાર થઈ રહેલા ડમ્પરચાલક પાસે રોયલ્ટી પાસ કે ડિલિવરી પાસ ન હતો. ડમ્પરચાલકે ખનીજ ચોરી છુપાવવા માટે ચાલુ ગાડીએ ગળપાદર હાઈવે રોડ પર હાઈડ્રોલિક કરી હર્ડ મોરમ ખનીજ જાહેર રસ્તા પર ખાલી કરી દીધું હતું. આ દરમિયાન આરોપી નંબર ૨ મયુરભાઈ બાબુભાઈ બવા (આહિર) એ પોતાની મોટરસાઈકલ (ય્ત્ન-૧૨-ઈઁ-૮૮૯૨) જાણી જોઈને રોડ વચ્ચે નાખી ફરિયાદીનો રસ્તો રોક્યો હતો. ડમ્પરચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પોતાના તેમજ અન્યના જીવ જોખમમાં મુકી અધિકારીની ફરજમાં રુકાવટ કરી હતી. પોલીસે બી.એન.એસ., એમ.વી. એક્ટ તેમજ માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
.....................
ખનીજચોરોને કોઈ રોકી શકશે કે નહી.?
ખનીજચોરી બંધ કરો, નહી તો કલેકટરશ્રીને જાણ કરીશ,
કહેનાર ખેડુત પર જાનલેવા હુમલો-ધમકી અપાઈ
ગાંધીધામ : રાપર તાલુકાના દેસલપર ગામે ખેતર નજીકથી બિન-અધિકૃત રીતે મેટલ કાઢવાની ના પાડી કલેક્ટરને જાણ કરવાનું કહેતા ખેડૂત પર બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બાલાસર પોલીસ મથકે નોંધાયો છે.ગામ દેસલપરના નાનજીભાઇ ગણેશાભાઇ પટેલ (મદાત) પોતાના ખેતરે હતા ત્યારે પાડોશી ખેતરમાંથી મેટલ કાઢતા મહાવીરસિંહ અભયસિંહ વાઘેલા અને રામદેવસિંહ અભયસિંહ વાઘેલાને મેટલ ન કાઢવા અને કલેક્ટરને જાણ કરવાની વાત કરી હતી. જેનું મનદુઃખ રાખી બંને આરોપીઓએ ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરી ખેડૂત સાથે મારામારી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે બ્રહ્માણી માતાજીના મંદિર પાસે પણ ફરિયાદીને રોકીને "હવે પછી મેટલ કાઢવામાં આડો આવીશ તો પૂરો કરી નાખીશું" તેવી ધમકી આપી હતી. બાલાસર પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments