Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદના કફ સિરપ કાંડ બાદ ભુજ, ગાંધીધામ અને મુન્દ્રા જેવા શહેરોમાં ઝડપી પાર્સલ સેવાઓ પર પોલીસની નજર અનિવાર્ય 

06 October


ઉડતા કચ્છ : પંજાબનું હેરોઇન, બિહારનો ગાંજો ને રાજસ્થાનનો દારૂ... કુરિયર મારફતે કચ્છમાં નશો ઘુસાડવાનો નવો ખેલ!


કચ્છમાં હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આવતી ખાનગી લક્ઝરીઓમાં પણ નશાના પદાર્થોની હેરાફેરી પર અંકુશ જરૂરી



ભુજ : નશીલા પદાર્થોની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ હવે નવા કીમિયા અપનાવી રહ્યા છે. અમદાવાદમાં કુરિયર અને લોકલ પાર્સલ સેવાઓ મારફતે નશાના નેટવર્કનો પર્દાફાશ થયા બાદ કચ્છમાં પણ આ વ્યવસ્થાના દુરુપયોગની શક્યતા વર્તાઈ રહી છે. બીજી તરફ, કચ્છ માત્ર સ્થાનિક સ્તરે નહીં, પરંતુ બિહાર, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી આવતા નશીલા પદાર્થોનું એપીસેન્ટર ન બને તે માટે પોલીસ તંત્રની સતર્કતા અનિવાર્ય બની છે.
અમદાવાદના નારોલ પોલીસ મથકના કેસમાં ૧૭૯૮ નશાયુક્ત કફ સિરપની બોટલો સાથે બે આરોપીઓ ઝડપાયા હતા. તપાસમાં સામે આવ્યું કે, આ જથ્થો લોકલ પાર્સલ અને ઝડપી ડિલિવરી સેવા મારફતે મંગાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ડિલિવરી રાઇડર કે કુરિયર કર્મચારી પાર્સલની અંદરનો સામાન તપાસતા નથી. કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર અને મુન્દ્રા જેવા શહેરોમાં પણ લોકલ કુરિયર અને પાર્સલ સુવિધા મોટા પાયે ઉપલબ્ધ હોવાથી, નશાના કારોબારીઓ ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી માટે તેનો ઉપયોગ કરે તેવી પૂરી શક્યતા છે. પાર્સલ સેવાઓમાં મોકલનારની ઓળખ અને સરનામાની કડક ચકાસણી થાય તે જરૂરી 
બન્યું છે 
કચ્છમાં નોંધાયેલા તાજેતરના કેસો દર્શાવે છે કે નશાનો સપ્લાય માત્ર સ્થાનિક નથી, પરંતુ આંતરરાજ્ય સરહદો પાર કરીને પહોંચી રહ્યો છે. ઓગસ્ટમાં પૂર્વ કચ્છ એસઓજીએ સામખિયાળી નજીકથી ૩૫ કિલોથી વધુ ગાંજા સાથે બે આરોપીઓને ઝડપ્યા હતા, જે જથ્થો બિહારથી લવાયો હતો. જૂનમાં મુન્દ્રા નજીક ખાનગી બસમાંથી બિહારના યુવક પાસેથી ૨.૮ કિલો ગાંજો મળ્યો હતો. આ ઉપરાંત સામખિયાળી અને અંજારના વરસામેડીમાંથી પંજાબના શખ્સો પાસેથી હેરોઇન ઝડપાયું હતું, જ્યારે આડેસર નજીક મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા શખ્સો પણ પકડાઈ ચુક્યા છે. ગાંધીધામ, કંડલા અને મુન્દ્રા સહિતનો પટ્ટો દેશના મોટા ઔદ્યોગિક અને બંદરીય વિસ્તારોમાં સામેલ છે. અહીં ટ્રેન, બસ અને માલવાહક વાહનો થકી દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો અને માલસામાનની સતત અવરજવર રહે છે. જોકે, નશાના વધારા માટે માત્ર પરપ્રાંતિય શ્રમિકોને સીધા જવાબદાર ગણવા યોગ્ય નથી, પરંતુ આ વિશાળ વસ્તી-અવરજવર અને આંતરરાજ્ય જોડાણ નશાના સપ્લાય નેટવર્ક માટે છૂપો માર્ગ પૂરો પાડે છે, જેને ટ્રેસ કરવો પોલીસ માટે મોટો પડકાર છે. નશાના નેટવર્કને તોડવા માટે માત્ર છૂટક વેચાણકારોને પકડવા પૂરતા નથી, તેના મૂળ સપ્લાયર અને ફંડિંગ રૂટને ટ્રેસ કરવા જરૂરી છે. ૨૦૨૬માં પંજાબના પાંચ શખ્સોને કચ્છમાં હેરોઇન વેચવાના કેસમાં કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત, બિહારના એક ડ્રગ્સ આરોપી સામે કાર્યવાહી કરી પોલીસે તેની ૨૨ લાખથી વધુની સંપત્તિ જપ્ત કરાવી છે. 


.................

કચ્છ માટે બે એન્ટી-નાર્કોટિક્સ વિંગની જોગવાઈ

ગુજરાત પોલીસે નશાના નેટવર્ક સામે કાર્યવાહી મજબૂત કરવા રાજ્યમાં ૪૧ એન્ટી-નાર્કોટિક્સ વિંગ બનાવવાની યોજના જાહેર કરી છે. આ અંતર્ગત કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ જિલ્લામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ માટે બે અલગ વિંગની જોગવાઈ કરવામાં આવી છે, જે આંતરરાજ્ય કનેક્શન તોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Comments

COMMENT / REPLY FROM