નાગલપરમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
અજ્ઞાત તસ્કરો કબાટની તિજોરીમાંથી રૂ. ૪,૯૧,૦૦૦ના દાગીના ચોરીને ફરાર
નખત્રાણા - કચ્છઉદય : નાગલપર ગામે એક મકાનને નિશાન બનાવી અજ્ઞાત ચોર ઇસમો રૂા. ૪,૯૧,૦૦૦ની મત્તાના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, નાગલપર ગામે રહેતા અને ઘરકામ કરતા ૪૫ વર્ષીય મોગીબેન ઉર્ફે મધુબેન અનિલભાઈ ચાવડાના ઘરમાં તારીખ ૫/૧૦ ના સવારના ૯ઃ૩૦ વાગ્યાના અરસામાં ચોરીની આ ઘટના બની હતી. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીનાની કિંમત રૂા. ૪,૯૧,૦૦૦ ની ચોરી કરી હતી. ચોરાયેલા મુદ્દામાલમાં કિંમત રૂા. ૧,૨૦,૦૦૦ નું સોનાનું મંગળસૂત્ર, રૂા. ૧,૨૦,૦૦૦ ની કિંમતની સોનાની બે ચેઇન અને બક્ષો ચેઇન, રૂા. ૪૦,૦૦૦ ની સોનાની પહોંચી, રૂા. ૧૨,૦૦૦ ના ચાંદીના બે પટ્ટા, રૂા. ૪૦,૦૦૦ ની સોનાની ત્રણ વીંટી, રૂા. ૧૦,૦૦૦ ની બે જોડ ચાંદીના પટ્ટા, રૂા. ૧૦,૦૦૦ ની ચાંદીની બે ચેઇન, રૂા. ૧૨,૦૦૦ નું ચાંદીનું મંગળસૂત્ર, રૂા. ૮,૦૦૦ નો ચાંદીનો કટોરો, રૂા. ૪૦,૦૦૦ ની સોનાના ઝુમરની એક જોડી, રૂા. ૩,૦૦૦ ના નાના બાળકોના ચાંદીના કડા, રૂા. ૧,૦૦૦ ની ચાંદીની એક પહોંચી, રૂા. ૨૦,૦૦૦ ની કાનમાં પહેરવાની સોનાની રીંગની જોડી, રૂા. ૨૦,૦૦૦ ની સોનાના મીનાવાળી ચુડીની જોડી, રૂા. ૧૫,૦૦૦ ના સોનાના લટકણીયાની જોડી તેમજ રૂા. ૨૦,૦૦૦ ની સોનાની શેરનો સમાવેશ થાય છે. અજ્ઞાત તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધીને પીએસઆઈ એમ.વી. શામળા દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Comments