Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપા હંગામી એન્જીનીયર બોગસ સર્ટી કૌભાંડમાં  કમિશ્નર સહિતનાઓને નોટીસનો ફટકાર

03 October

તપાસના નામે ડીંડક : ૧પ દી બાદ પણ ડે.કમિ.એ ન સોંપ્યો તપાસ અહેવાલ


ગાંધીધામ મનપામાં અસ્તિત્વ વગરના ‘કાર્યપાલક ઈજનેર’ના હોદ્દા પરથી કરોડોના કૌભાંડના આશય સાથે ડમી સર્ટી આપી દીધાના વિવાદમાં આવ્યો નવો ખુલાસો : વિરોધ પક્ષના નેતાએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવી કાનૂની નોટિસ


રૂ. ૧૦.૪૦ કરોડના પ્રોજેક્ટમાં બોગસ ફોર્મ નં. ૩(A) અને સરકારી સિક્કાનો દુરુપયોગ કરી કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ  : તપાસનું વચન આપ્યા બાદ પણ ૩૦ દિવસ સુધી કાર્યવાહી ના થતાં BNS ની વિવિધ કલમો હેઠળ ફોજદારી કાર્યવાહીની પણ ઉચ્ચારાઈ છે ચીમકી

ખાટલે મોટી ખોટ : ડમી પીએમસી સર્ટીફીકેટ કૌભાંડની તપાસને ગતિ ન આપનાર ડે.કમિશ્નર સહીતનાઓની સામે આ બાબતે થવી જોઈએ કડક ધાક બેસાડતી કાર્યવાહી : તપાસનીશ અધિકારી કોને બચાવવા તપાસ ઠંડા બક્ષામાં રાખી બેઠા છે? ૧પ દીવસની મહેતલ આપી હતી છતા ન તપાસ રીપોર્ટ સોપાયો કે ન કોઈ જ પગલા લીધા? સીટી એન્જીનીયર સહીતનાઓની સામે હજુ સુધી કેમ કોઈ જ કડક કાર્યવાહી નહી? ડમ સર્ટીફીકેટ મેળવનાર પીએમસી કંપની પણ શા માટે હજુય રહી છે આબાદ? શું તપાસનીશ અધિકારી પણ આ જ ટોળકીનો કોઈ ભાગ રહેલા છે, એટલે તપાસ આગળ નથી વધારતા? બધુ જ દુધ જેવુ સાફ પડયુ છે, તપાસ માટે કયાંય કોઈ મોટી મહેનત કરવાની જરૂર નથી છતા પંદર-પંદર દીવસ સુધી આ મુદાને કેમ દબાવવામાં આવી રહ્યો છે?


ગાંધીધામઃ ગાંધીધામ મહાનગરપાલિકા (GMC) ના વહીવટી તંત્રમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને બોગસ દસ્તાવેજોના કૌભાંડ સામે વિરોધ પક્ષના નેતા ભારત કિશનલાલ ગુપ્તાએ લાલ આંખ કરી છે. મનપામાં અસ્તિત્વ જ ન ધરાવતા કાર્યપાલક ઈજનેર (Executive Engineer)  ના ગેરકાયદેસર હોદ્દા અને મનપાના ઓફિશિયલ સીલનો દુરુપયોગ કરીને બોગસ સહી-સિક્કા કરવા બદલ વિરોધ પક્ષના નેતાએ હાઇકોર્ટના એડવોકેટ બ્રિજેશ એ. સોલંકી મારફતે મ્યુનિસિપલ કમિશનરને કાનૂની નોટિસ પાઠવી છે.
અસ્તિત્વ વગરની કેડર પરથી રૂ. ૧૦.૪૦ કરોડના કામનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરાયું છે. લીગલ નોટિસમાં જણાવ્યા અનુસાર, ગાંધીધામ મહાનગરપાલિકાના મંજૂર થયેલા સેટઅપ કે મહેકમમાં ‘કાર્યપાલક ઈજનેર’ ની કેડર કે હોદ્દો અસ્તિત્વમાં જ નથી. આમ છતાં, મેઘપર બોરીચી અને કુંભારડી વિસ્તારમાં રૂ. ૧૦,૪૦,૪૭,૭૪૧/- ના ખર્ચે હાથ ધરાયેલ ડ્રેનેજ પાઇપલાઇન પ્રોજેક્ટ માટે  M/s. SRD Quality Services Pvt. Ltd.  નામની એજન્સીને “ફોર્મ નં. ૩(A)” હેઠળ કામ પૂર્ણ કર્યાનું બોગસ પ્રમાણપત્ર ઇશ્યૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મ પર મનપાના સિક્કા સાથે ‘કાર્યપાલક ઈજનેર’ તરીકે બોગસ સહી કરવામાં આવી છે. અન્ય રાજ્યમાં પણ સર્ટિફિકેટ વેરિફિકેશન માટે મોકલાયું.
આ બોગસ દસ્તાવેજનો ઉપયોગ કરીને ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત ‘ઉત્તરાખંડ પેયજલ સંસાધન વિકાસ એવમ નિર્માણ નિગમ’ ખાતે પણ અનુભવના સર્ટિફિકેટની ખરાઈ માટે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બોર્ડ બેઠકમાં વચન આપ્યા છતાં કમિશનરે કોઈ પગલાં ન લીધાં
તારીખ ૦૧/૦૯/૨૦૨૬ ના રોજ યોજાયેલી ગાંધીધામ મનપાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તે સમયે મ્યુનિસિપલ કમિશનરે ૧૫ દિવસમાં તપાસ પૂર્ણ કરી જવાબદારો સામે કડક ફોજદારી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરંતુ એક મહિનો વીતી જવા છતાં કોઈ તપાસ અહેવાલ કે એફ.આઈ.આર. નોંધવામાં આવી નથી, જેથી દોષિતોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ગંભીર શંકા ઊભી થઈ છે.આ નોટિસ મારફતે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની વિવિધ કલમો (જેવી કે કલમ ૨૦૬, ૩૧૮, ૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૪૧, ૬૧ અને ૧૯૮) હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને સરકારી સિક્કાના ગેરકાયદે ઉપયોગ બદલ ૪૮ કલાકમાં લેખિત સ્પષ્ટતા કરી દોષિતો સામે એફ.આઈ.આર. નોંધવા માંગ કરવામાં આવી છે. જો નિયત સમયમાં કાર્યવાહી નહીં થાય તો કમિશનરના જોખમે અને ખર્ચે પોલીસ સ્ટેશન તથા સક્ષમ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની ચેતવણી આપવામાં આવી છે.આ નોટિસની નકલ રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચિવ, પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષક (SP) અને કચ્છ-ભુજ જિલ્લા કલેક્ટરને પણ જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM