Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કંપનીઓ, સોસાયટીઓ અને કોમ્પ્લેક્સમાં તૈનાત ‘સિક્યોરિટી ગાર્ડ્‌સ’નું પોલીસ વેરિફિકેશન ક્યારે ?

03 October



રાજ્યમાં વધતા ગુનાહિત બનાવો બાદ કચ્છમાં પણ તપાસ અતિ જરૂરી : વેરિફિકેશન વગરના ગાર્ડ્‌સ સુરક્ષા સામે મોટો ખતરો

ભુજ - કચ્છઉદય :રાજ્યના અન્ય જિલ્લાઓ અને મોટા મહાનગરોમાં તાજેતરમાં સોસાયટીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલમાં ચોરી, લૂંટ તેમજ અસામાજિક બનાવો બન્યા બાદ તંત્ર દ્વારા સિક્યોરિટી એજન્સીઓ અને ખાનગી ગાર્ડ્‌સના કડક પોલીસ વેરિફિકેશન અંગે લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ અને વિવિધ જિલ્લા પોલીસ વડાઓ દ્વારા ખાનગી એજન્સીઓને પોતાના કર્મચારીઓની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના આદેશો છૂટ્યા છે. ત્યારે કચ્છ જેવા અતિ સંવેદનશીલ, સરહદી અને ઝડપથી વિકસતા ઔદ્યોગિક જિલ્લામાં પણ આ બાબતે ભારે બેદરકારી સામે આવી રહી છે, જે આગામી સમયમાં કોઈ મોટી અપ્રિય ઘટનાને નોતરી શકે તેમ છે.ભુજ, ગાંધીધામ, આદિપુર, અંજાર અને મુંદરા જેવા મોટો વિસ્તાર ધરાવતા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી હાઇરાઇઝ બિલ્ડિંગો, રેસિડેન્શિયલ સોસાયટીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ અને બેંકોના એટીએમ બહાર સિક્યોરિટી ગાર્ડ્‌સ તૈનાત કરવામાં આવે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે મોટા ભાગની સિક્યોરિટી એજન્સીઓ દ્વારા બહારના રાજ્યો કે અન્ય દૂરના જિલ્લાઓમાંથી આવતા લોકોને કોઈપણ જાતના ગ્રાઉન્ડ વેરિફિકેશન કે પૂર્વ ઇતિહાસની તપાસ વગર સીધા જ નોકરી પર રાખી લેવાય છે. કાયદાકીય નિયમ મુજબ કોઈપણ પ્રાઇવેટ ગાર્ડ કે ઘરઘાટીને રાખતા પહેલાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેનું નિર્ધારિત ફોર્મ ભરીને સંપૂર્ણ વિગતો, તાજેતરની તસવીર અને કાયમી સરનામાના આધાર પુરાવા જમા કરાવવા ફરજિયાત હોય છે. છતાં મોટાભાગની સોસાયટીઓના પ્રમુખ, બિલ્ડરો કે કોમ્પ્લેક્સ કમિટીઓ થોડા પૈસા બચાવવાની લ્હાયમાં કે માત્ર આળસના કારણે આ કાનૂની પ્રક્રિયા ટાળી રહેવાસીઓની સુરક્ષા સાથે સીધા જ ચેડાં ચાલી રહ્યા છે.પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ખાનગી સિક્યોરિટી એજન્સીઓ, ઔદ્યોગિક એકમો અને સોસાયટીઓનું સ્પેશિયલ વેરિફિકેશન ચેકિંગ હાથ ધરવામાં આવે તે વર્તમાન સમયની માગ છે. આ સાથે જ સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓએ પણ જાગૃત બનીને સિક્યોરિટી એજન્સી પાસેથી ગાર્ડના અધિકૃત વેરિફિકેશનનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ તેને ગેટ પર તૈનાત કરવા દેવો 
જોઈએ.

Comments

COMMENT / REPLY FROM