લેન્ડ રેકોર્ડ કર્મચારીઓની માંગણીઓ સંતોષવાના બદલે સરકારે દંડો પછાડ્યો : કારણદર્શક નોટિસો ફટકારાઈ
કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨૦ દિવસથી ચાલતી અચોક્કસ મુદતની હડતાળથી જમીન માપણી, રિ-સર્વે અને પ્રોપર્ટી કાર્ડ સહિતની કામગીરી ઠપ્પ : કચ્છ સહિત રાજ્યભરના અરજદારો અને ખેડૂતોને ભારે હાલાકી
ભુજ - કચ્છઉદય મહેસૂલી ખાતાના પડતર પ્રશ્નો અને વિવિધ વ્યાજબી માગણીઓના કાયમી ઉકેલની માંગ સાથે ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે. કર્મચારીઓની આ હડતાળનો કોઈ ઉકેલ લાવવા કે તેમની સાથે સાનુકૂળ સંવાદ સાધવાના બદલે રાજ્ય સરકારે હવે કડક વલણ અપનાવીને કર્મચારીઓને બાનમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સેટલમેન્ટ કમિશનર દ્વારા રાજ્યભરમાં હડતાળ પર ઉતરેલા સર્વેયરો સહિત આશરે ૨૦૦૦ જેટલા કર્મચારીઓને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવતા મહેસૂલી આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.તાજેતરમાં ગત ૧૧મી તારીખથી શરૂ થયેલી આ હડતાળને કારણે સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ લેન્ડ રેકોર્ડ શાખાના કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને આંદોલનમાં જોડાઈ ગયા છે. તેના પરિણામે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં જમીન માપણી, રિ-સર્વે, પ્રોપર્ટી કાર્ડ બનાવવા તેમજ વાંધા અરજીઓના નિકાલની તમામ મહત્વપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે. પોતાની જમીનની હદ નક્કી કરાવવા માંગતા ખેડૂતો અને વિવિધ કામકાજ અર્થે આવતા અરજદારોને સરકારી કચેરીઓના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. હજારો અરજીઓનો નિકાલ ન થતાં અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓએ આક્રમક લડત ચલાવવાની સાથે સરકારનું ધ્યાન દોરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને શાંતિપૂર્ણ અને સંવેદનશીલ રીતે વિરોધ નોંધાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમ છતાં સરકારે પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ નોટિસો આપીને કર્મચારીઓનું નાક દબાવવાની નીતિ અપનાવી છે. જ્યાં સુધી કર્મચારીઓની હડતાળનો સંતોષકારક અંત નહીં આવે અને કામગીરી પૂર્વવત શરૂ નહીં થાય ત્યાં સુધી કચ્છ સહિત રાજ્યભરના ખેડૂતો અને અરજદારોએ જમીન માપણી અને અન્ય મહેસૂલી કામકાજ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

Comments