Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આઈટીઆઈમાં એચઆઈવી, ટીબી, હિપેટાઇટિસ અને એસટીઆઈ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

30 September



ભુજ - કચ્છઉદય : ભુજની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે રાષ્ટ્રીય એઇડ્‌સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલા સઘન આઈઈસી અભિયાન-૩.૦ હેઠળ એચઆઈવી - એઈડ્‌સ, ટીબી, હિપેટાઇટિસ અનેએસટીઆઈ સહિતના ચેપી રોગો અંગે તાલીમાર્થીઓમાં જાગૃતિ કેળવવા માટે માહિતીપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશમાં સઘન આઈઈસી અભિયાન-૩.૦ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ચેપી રોગો અંગે લોકોમાં વૈજ્ઞાનિક સમજ વિકસાવવા, ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીના દિશાનિર્દેશથી તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ સોશિયલ વેલ્ફેર સંસ્થાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં આઈટીઆઈ ના તાલીમાર્થીઓને વિવિધ આરોગ્યલક્ષી વિષયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ક્ષય અધિકારી દ્વારા તાલીમાર્થીઓને એચઆઈવી - એઈડ્‌સ, એસટીઆઈ, ટીબી અને હિપેટાઇટિસ અંગે માહિતી આપતાં રોગોના કારણો, સંક્રમણના માર્ગો, લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ તથા સારવારના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. એચઆઈવી - એઈડ્‌સ અંગે સંક્રમણના માર્ગો અને બચાવના ઉપાયો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમયસર એચઆઈવી ટેસ્ટિંગ, એઆરટી સારવાર તેમજ એચઆઈવી સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે પણ તાલીમાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.
ટીબી અંગે સતત ઉધરસ, તાવ, વજનમાં ઘટાડો સહિતના લક્ષણો જણાય ત્યારે સમયસર તપાસ કરાવવા તથા નિદાન બાદ નિયમિત અને સંપૂર્ણ સારવાર લેવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ અને એસટીઆઈ અંગે પણ સંક્રમણથી બચવાના ઉપાયો તથા સમયસર તબીબી સલાહ લેવાની જરૂરીયાત સમજાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓનું સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય સંબંધિત પ્રશ્નોના નિરાકરણ અને જરૂરી માર્ગદર્શન માટે ૧૦૯૭ હેલ્પલાઇન તથા બ્રેક ફ્રી ઈન્ડિયા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. યુવાનોમાં એચઆઈવી - એઈડ્‌સ, એસટીઆઈ, ટીબી અને હિપેટાઇટિસ અંગે વૈજ્ઞાનિક સમજ વધે, ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર થાય તથા સમયસર તપાસ અને સારવાર માટે તેઓ પ્રેરિત થાય તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુજ આઈટીઆઈના પ્રિન્સિપાલ મોલિકભાઈ રાવલ તથા સમગ્ર સ્ટાફ તેમજ ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ સોશિયલ વેલ્ફેર સંસ્થાના સ્ટાફ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. 
-------

Comments

COMMENT / REPLY FROM