રાપર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એચઆઈવી-એઈડ્સ, હેપેટાઇટિસ, ટીબી અને એસટીઆઈ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રેડ રિબન ક્લબ અંતર્ગત
રાપર - કચ્છઉદય : યુવા પેઢીમાં આરોગ્ય અંગે જાગૃતિ વધે, ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસે તેમજ સમાજમાં પ્રવર્તતા ભ્રમ, અંધશ્રદ્ધા, અને ભેદભાવ દૂર થાય તેવા હેતુસર રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રેડ રિબન ક્લબ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, રાપર ખાતે એચઆઈવી-એઈડ્સ, હેપેટાઇટિસ, ક્ષયરોગ તથા જાતીય સંક્રમિત ચેપ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ડીઆઈએસએચએ - ડીએપીસીયુ અંતર્ગત તેમજ ડૉ. મનોજ દવે, ડૉ. મોતીલાલ રાય અને ડૉ. રોબિનસિંહ રાઠોડના માર્ગદર્શન અને સૂચના મુજબ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓને એચઆઈવી - એઈડ્સ સહિતના ચેપી રોગો અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડવાનો, રોગોના સંક્રમણ અને નિવારણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ વિદ્યાર્થીઓને પોતાની અને સમાજની આરોગ્ય સુરક્ષા પ્રત્યે જવાબદાર બનાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આઈસીટીસી કાઉન્સેલર મિલન પંડ્યા દ્વારા એચઆઈવી - એઈડ્સ અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એચઆઈવી કેવી રીતે ફેલાય છે, કઈ પરિસ્થિતિમાં સંક્રમણનું જોખમ રહે છે અને કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સાથે જ એચઆઈવી અંગે સમાજમાં રહેલા વિવિધ ભ્રમ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે એચઆઈવી અંગે જાગૃતિ, સમયસર તપાસ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સંક્રમણને અટકાવવામાં મહત્વપૂર્ણ મદદ મળી શકે છે. એચઆઈવી સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ કે કલંક રાખવાને બદલે માનવતાપૂર્ણ અને સહાનુભૂતિપૂર્ણ વર્તન કરવું જોઈએ તે અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
એસટીએસ ચિરાગ સોલંકી દ્વારા ક્ષયરોગ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. ટીબીના મુખ્ય લક્ષણો, સંક્રમણની શક્યતા, સમયસર તપાસનું મહત્વ, સારવાર પૂર્ણ કરવાની આવશ્યકતા તેમજ સરકારી આરોગ્ય વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ નિઃશુલ્ક સેવાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. હેપેટાઇટિસ અંગે પણ વિદ્યાર્થીઓને તેના વિવિધ પ્રકારો, સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો અને સમયસર તબીબી સલાહ લેવાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત કોઈપણ લક્ષણોને અવગણવાને બદલે યોગ્ય સમયે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જાતીય સંક્રમિત ચેપ અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસટીઆઈ - એસટીડીના સંક્રમણના માર્ગો, નિવારણના ઉપાયો, સમયસર તપાસ અને સારવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. યુવાનોમાં આવા વિષયો અંગે રહેલા સંકોચ અને ગેરસમજને દૂર કરી યોગ્ય આરોગ્ય સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ખાસ કરીને સમજાવવામાં આવ્યું હતું કે કોઈપણ આરોગ્ય સમસ્યા અંગે શરમ કે ભય રાખવાને બદલે યોગ્ય આરોગ્યકર્મી અથવા તબીબની સલાહ લેવી અને જરૂરી તપાસ કરાવવી આરોગ્યની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ એચઆઈવી સેલ્ફ રિસ્ક અસેસમેન્ટ સુવિધા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સેલ્ફ રિસ્ક અસેસમેન્ટ ક્યુઆર કોડ દ્વારા એચઆઈવી અંગે પોતાનું જોખમ મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત એચઆઈવી સંબંધિત માહિતી, માર્ગદર્શન અને જરૂરી સહાય માટે ઉપલબ્ધ ૧૦૯૭ હેલ્પલાઇન નંબર અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વિશ્વસનીય સરકારી આરોગ્ય સેવાઓ અને અધિકૃત માધ્યમોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જાગૃતિ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયક જ્ઞાન વધે અને કાર્યક્રમ વધુ રસપ્રદ બને તે હેતુસર એચઆઈવી - એઈડ્સ, ટીબી, હેપેટાઇટિસ અને એસટીઆઈ - એસટીડી આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓએ આરોગ્ય અને ચેપી રોગો અંગે પ્રાપ્ત કરેલી માહિતીનું પુનરાવર્તન કર્યું હતું તેમજ તેમની સમજણમાં વધારો થયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને આરોગ્ય જાગૃતિના સંદેશને પોતાના પરિવાર, મિત્રો અને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ એચઆઈવી - એઈડ્સ અથવા અન્ય ચેપી રોગોથી અસરગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવો, તેમને યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવો તથા સમાજમાં આરોગ્ય અંગેની વૈજ્ઞાનિક સમજણ વધારવી એ દરેક નાગરિકની સામાજિક જવાબદારી હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, રાપરના આચાર્ય, પ્રાધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ મિલન પંડ્યા, આઈસીટીસી કાઉન્સેલર અને ચિરાગ સોલંકી, જી્જી રાપર દ્વારા કાર્યક્રમના આયોજન અને માર્ગદર્શન માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમના માધ્યમથી કોલેજના વિદ્યાર્થીઓમાં એચઆઈવી - એઈડ્સ, હેપેટાઇટિસ, ટીબી તથા એસટીઆઈ - એસટીડી અંગેની સાચી અને વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાની સાથે સમયસર તપાસ, સારવાર, નિવારણ અને સામાજિક જવાબદારીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
------

Comments