કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ માટે સુરક્ષાનો મોટો પડકાર
અરબ સાગરમાં પાકિસ્તાનનું મિસાઈલ પરીક્ષણ
ચીન નિર્મિત હંગોર સબમરીનમાંથી ક્રૂઝ મિસાઈલ છોડાઈ : સરહદી જિલ્લા કચ્છની દરિયાઈ સીમા પર ભારતીય નૌકાદળની તીક્ષ્ણ નજર
ભુજ - કચ્છઉદય : પાકિસ્તાન નૌકાદળે ઉત્તરી અરબ સાગરમાં પોતાની નવી ચાઈનીઝ સબમરીન પીએનએસ હંગોર શિપ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ હાથ ધર્યું છે. કચ્છની સરહદે આવેલા અરબ સાગરમાં ચીન અને
પાકિસ્તાનની વધતી જતી આ સૈન્ય ગતિવિધિ કચ્છ જિલ્લાના સામરિક અને આર્થિક મહત્વ ધરાવતા વિસ્તાર માટે ચિંતાનો વિષય બની છે. ભારતનો સૌથી મોટો સમુદ્રી વ્યાપાર કચ્છના દરિયાકિનારે આવેલા કંડલા અને મુન્દ્રા જેવા દેશના અતિ મહત્વના બંદરો પરથી થાય છે. આ સંવેદનશીલ દરિયાઈ માર્ગ પર પાકિસ્તાની સબમરીનની હાજરી ભારતની સી લાઈન્સ ઓફ કમ્યુનિકેશન પર સીધું દબાણ ઊભું કરે છે, જેના કારણે ભારતની દરિયાઈ સલામતી સામે નવો પડકાર ઊભો થયો છે.પાકિસ્તાન ચીન પાસેથી આ પ્રકારની આઠ અત્યાધુનિક સબમરીન મેળવી રહ્યું છે, જે એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન તકનીકથી સજ્જ હોવાના કારણે અવાજ કર્યા વગર લાંબા સમય સુધી પાણીની અંદર છુપાઈ રહેવાની ક્ષમતા ધરાવે છે. કચ્છના અખાતમાં આવેલા દેશના આર્થિક ગણાતા બંદરો પર આ રણનૈતિક ગતિવિધિઓની સીધી અસર પડી શકે તેમ છે. જોકે, પાકિસ્તાન અને ચીનની આ જોડી સામે ભારતીય નૌકાદળ પણ કચ્છ સરહદે સંપૂર્ણ સજ્જ અને સતર્ક બન્યું છે.કચ્છના આકાશ અને સમુદ્ર પર ભારતે પોતાની પકડ મજબૂત રાખવા માટે પી-૮આઈ પોસાઈડન પેટ્રોલિંગ વિમાન તેમજ એમએચ-૬૦આર સીહૌક હેલિકોપ્ટર તૈનાત કરેલા છે, જે સમુદ્રના ઊંડાણમાં
છુપાયેલી સબમરીનનો સચોટ તાગ મેળવવામાં સક્ષમ છે. આ ઉપરાંત ભારતીય સેના પાસે રહેલી કલવરી ક્લાસની સ્કોર્પીન સબમરીન અને અત્યાધુનિક સોનાર સિસ્ટમથી સજ્જ આઈએનએસ
વિશાખાપટ્ટનમ જેવા યુદ્ધ જહાજો કચ્છની દરિયાઈ સીમાની સુરક્ષા કાપેલી રીતે સુનિશ્ચિત કરી રહ્યા છે. અરબ સાગરમાં શત્રુ દેશના કોઈપણ શંકાસ્પદ પગલાંનો તાત્કાલિક જવાબ આપવા માટે ભારતીય નૌકાદળ સતત એલર્ટ મોડ પર છે.

Comments