Trending News
સ્થાનિક સમાચાર

બાંગ્લાદેશી નાગરિકોના ૭૬ બનાવટી પાસપોર્ટનું કૌભાંડ : કચ્છ અને મહારાષ્ટ્રના નાગપુર સુધી ફેલાયા તપાસના તાર

30 September


એસટીએફ દ્વારા માસ્ટરમાઇન્ડ સહિત છ આરોપીઓની ધરપકડઅન્ય ફરાર આરોપીઓ પર ઈનામ જાહેર કરી તપાસ તેજ કરાઈ 

ભુજ - કચ્છઉદય : મધ્યપ્રદેશમાં બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિક બનાવી તેમના બનાવટી પાસપોર્ટ તૈયાર કરવાના મસમોટા કૌભાંડમાં 
સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ને મોટી સફળતા સાંપડી છે. ભોપાલ, ડબરા, બૈતૂલ, છિંદવાડા અને પાંઢુર્ણા બાદ હવે જબલપુર તેમજ બાલાઘાટમાંથી પણ વધુ છ બોગસ પાસપોર્ટ મળી આવતાં આ આંકડો વધીને ૭૬ પર પહોંચી ગયો છે. મહત્ત્વની વાત એ છે કે આ રેકેટના તાર માત્ર મધ્યપ્રદેશ પૂરતા મર્યાદિત ન રહેતાં છેક ગુજરાતના કચ્છ અને મહારાષ્ટ્રના નાગપુર સુધી વિસ્તરેલા હોવાનું બહાર આવ્યું છે. કચ્છ જિલ્લાના સરનામે પણ આ જ પ્રકારે બોગસ પાસપોર્ટ બનાવવામાં આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં તપાસનીશ એજન્સીઓએ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ સમગ્ર કૌભાંડમાં મોટે ભાગે મઠ અને આશ્રમોના સરનામાનો દુરુપયોગ કરીને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવામાં આવ્યા હતા. ગ્વાલિયર એસટીએફ યુનિટના પોલીસ અધિક્ષક સુનિતા રાવતે જણાવ્યું છે કે એસટીએફની ટીમો આ સમગ્ર સિન્ડિકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં માસ્ટરમાઇન્ડ રિયાલ ચૌધરી સહિત કુલ છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. એજન્સી દ્વારા કૌભાંડમાં સંસર્ગ ધરાવતા અન્ય આઠ નાસતા-ફરતા 
આરોપીઓ પર રૂ. ૨૦-૨૦ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ઈનામી આરોપીઓની કુલ સંખ્યા ૨૯ પર પહોંચી છે. હાલમાં એસટીએફ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયા અને તેમાં મદદગારી કરનારા સ્થાનિક નેટવર્કની કડીઓ જોડવામાં વ્યસ્ત છે.


 

Comments

COMMENT / REPLY FROM