કચ્છમાં ભૂગર્ભજળ તળિયે જતાં જળસંકટના એંધાણ
અંજાર, ભુજ અને નખત્રાણામાં સ્થિતિ વધુ ચિંતાજનક : રાજ્યના સરકારી અહેવાલમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વોટર ટેબલ નીચે સરક્યાનો ઘટસ્ફોટ : દક્ષિણ ગુજરાત કરતાં સ્થિતિ ચિંતાજનક : જળસંચય માટે કડક પગલાં લેવા નિષ્ણાતોની ટકોર
ભુજ - કચ્છઉદય : ગુજરાતમાં ભૂગર્ભજળના સ્તર અંગે સામે આવેલા તાજેતરના ચિંતાજનક સરકારી અહેવાલે કચ્છ જિલ્લા માટે લાલબત્તી સમાન સ્થિતિ ઊભી કરી છે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ ભૂગર્ભજળના સ્તર ચિંતાજનક રીતે નીચે સરકી ગયા છે. સરકારી રિપોર્ટના આંકડા અનુસાર કચ્છના અંજાર પંથકમાં ભૂગર્ભજળનું સ્તર ૫૬.૮૨ મીટર, જિલ્લા મથક ભુજમાં ૫૫.૪૬ મીટર અને નખત્રાણા વિસ્તારમાં ૪૬.૫૨ મીટર ઊંડાઈએ પહોંચી ગયું છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં માત્ર ૧ થી ૬ મીટરની ઊંડાઈએ પાણી ઉપલબ્ધ છે, તેની સામે કચ્છના આ આંકડા ભવિષ્યના મોટો ખતરો સૂચવે છે. અહેવાલ મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૨૭.૫૮ બિલિયન ક્યુસેક મીટર પાણી
જમીનમાં રિચાર્જ થાય છે, પણ તેની સામે ૨૫.૫૮ બિલિયન ક્યુસેક મીટર જેટલું માતબર પાણી જમીનમાંથી ખેંચી લેવાય છે. આમ કુલ રિચાર્જ ક્ષમતાના પ૪.૨૧ ટકા ભૂગર્ભજળ બેરોકટોકપણે ઉલેચાઈ રહ્યું હોવાથી અંજાર, ભુજ અને નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં ભૂગર્ભજળના સ્તર સતત ગગડી રહ્યા છે. સરકાર દ્વારા અટલ ભૂજલ યોજના અને સુજલામ સુફલામ
યોજના પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં તંત્રની ઢીલી નીતિ અને નબળા મોનિટરિંગને કારણે જમીની સ્તરે સકારાત્મક સુધારો દેખાતો નથી. ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી આવનારા દિવસોમાં કચ્છમાં પાણીની કટોકટી વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કૃષિ ક્ષેત્રે પાણીનો બગાડ અને ગેરકાયદે વોટર માઇનિંગ રોકીને જો રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર ભાર નહીં મૂકાય તો જિલ્લામાં જળસંકટ ઘેરું બનશે.

Comments