Trending News
સ્થાનિક સમાચાર

ખાવડાના વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કમાં ગેરકાયદે બાયોડીઝલનો કાળો કારોબાર

30 September


પોલીસ અને પુરવઠા વિભાગની રહેમનજર હેઠળ સંદીપ મારવાડીનો એકહથ્થુ ઈજારો 

ભુજ - કચ્છઉદય :  તાલુકાના ખાવડા ખાતે આવેલો રિન્યુએબલ એનર્જી પાર્ક વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ વિકાસના આ પ્રોજેક્ટની આડમાં એક મસમોટું અને સંગઠિત કૌભાંડ આકાર લઈ ચૂક્યું છે. પાર્કની અંદર ચાલતી હજારોની સંખ્યામાં હેવી મશીનરી અને માલવાહક વાહનોની ઈંધણની જરૂરિયાતને સંતોષવાના નામે બેઝ ઓઇલ, બાયોડીઝલ અને ડુપ્લિકેટ ડીઝલનો ગેરકાયદેસર વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે. આ કાળો કારોબાર એટલો વ્યાપક છે કે જાણે સ્થાનિક કક્ષાએ કાયદો અને વ્યવસ્થા અસ્તિત્વમાં જ ન હોય!સૂત્રો પાસેથી પ્રાપ્ત ચોક્કસ વિગતો અનુસાર, ભૂતકાળમાં આ વિસ્તારમાં ચારથી પાંચ જેટલા ગેરકાયદે બાયોડીઝલના પોઈન્ટ ધમધમતા હતા અને તેમની વચ્ચે હરીફાઈ ચાલતી હતી. પરંતુ હાલમાં આ સમગ્ર કાળા કારોબાર પર સંદીપ મારવાડી નામના માફિયાએ પોતાનો એકહથ્થુ કબ્જો જમાવી લીધો છે. પોલીસ અને પુરવઠા વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે આર્થિક સાંઠગાંઠ કરીને સંદીપે અન્ય તમામ હરીફોના પોઈન્ટ સત્તાના જોરે બંધ કરાવી દીધા છે. હવે ખાવડામાં માત્ર તેનું જ સામ્રાજ્ય અને તેના જ નિયમો ચાલે છે. પ્રતિબંધિત ઇંધણનો આવડો મોટો કારોબાર, પાર્કની અંદર ગેરકાયદે ટાંકાઓનું ઇન્સ્ટોલેશન અને રોજના હજારો લિટર જ્વલનશીલ પ્રવાહીની હેરફેર શું સ્થાનિક પોલીસ કે પુરવઠા વિભાગની નજરમાં નહીં આવતી હોય? સરકારના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળિયો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કક્ષાએથી આ સિન્ડિકેટ પર તવાઈ બોલાવવામાં આવે અને સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે.’


.................

કંડલા-મુન્દ્રાથી સીધું સેટિંગ અને આરઇ પાર્કમાં ગેરકાયદે ટાંકા

આ કૌભાંડના મૂળિયાં છેક કંડલા અને મુન્દ્રા બંદર સુધી વિસ્તરેલા હોવાની ચર્ચા છે. બંદરો પર આયાત થતા બેઝ ઓઇલ અને બાયોડીઝલના મોટા માથાઓ સાથે સીધું નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે. બંદરેથી નીકળતો માલ કોઈપણ રોકટોક વગર બારોબાર ખાવડા પહોંચે છે. ૧૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ આર.ઈ. પાર્કની અંદર જ ગેરકાયદેસર રીતે મસમોટા ટાંકાઓ ફિટ કરી દેવામાં આવ્યા છે.

...............

સ્થાનિકે પમ્પ ન હોવાની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊઘાડી લૂંટ

આટલા વિશાળ પાર્કમાં હજુ સુધી સત્તાવાર પેટ્રોલ-ડીઝલ પંપની કોઈ વ્યવસ્થા ઉભી કરાઈ નથી. જો વાહન ચાલકો કે કોન્ટ્રાક્ટરોને ઈંધણ પુરાવવું હોય તો છેક ખાવડા તાલુકા મથક સુધી આવવું પડે, જે સમય અને નાણાં બંને રીતે મોંઘુ પડે છે. આ ભૌગોલિક મજબૂરીનો સીધો ફાયદો કૌભાંડીઓ ઉઠાવી રહ્યા છે. અંદર જ ટાંકા બેસાડીને વાહનચાલકો પાસેથી ઊંચા ભાવ વસૂલવામાં આવે છે અને બદલામાં ડુપ્લિકેટ ઈંધણ પધરાવી દેવાય છે, જેનાથી લાખો રૂપિયાની મશીનરીને પણ નુકસાન જવાનો ખતરો રહેલો છે.


 

Comments

COMMENT / REPLY FROM