Trending News
સ્થાનિક સમાચાર

નમોશ્રી યોજના બની સહેનાજ થેબા માટે આશીર્વાદ : માતૃત્વની સફર બની સલામત

29 September


સરકારની સહાયથી ભારાસરના માતા-પુત્રીને મળ્યું પોષણ સુરક્ષા કવચ, સહાયની રકમ ડીબીટીથી સીધી ખાતામાં જમા

ભુજ - કચ્છઉદય : તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક એ જ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજની સાચી ઓળખ છે. આ વિચારને સાકાર કરતી ગુજરાત સરકારની નમોશ્રી યોજના અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના આજે કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને અનેક માતાઓના જીવનમાં આશાનું નવું કિરણ બની રહી છે.
ભુજ તાલુકાના ભારાસર ગામના રહેવાસી સહેનાજબેન નજીર થેબા માટે આ બંને યોજના માતૃત્વના કપરા સમયમાં મોટી રાહત બનીને આવી છે. સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી પોષણ અને આર્થિક મદદ મળી રહે તે માટે સરકારે શરૂ કરેલી આ યોજનાઓએ સહેનાજબેનની માતૃત્વની યાત્રાને ચિંતામુક્ત અને સુરક્ષિત બનાવી છે.પોતાના અનુભવ વિશે વાત કરતા લાભાર્થી સહેનાજબેને જણાવ્યું હતું કે, નજીકના પેટા આરોગ્ય કેન્દ્રના બહેનો પાસેથી મને નમોશ્રી અને માતૃવંદના યોજના વિશે માહિતી મળી હતી. મેં તરત જ ફોર્મ ભર્યું હતું. આ યોજના હેઠળ મળેલી આર્થિક સહાય મારા અને મારી દીકરીના પોષણયુક્ત આહાર માટે ખૂબ જ ઉપયોગી બની છે. યોજનાની પારદર્શક પ્રક્રિયા અંગે તેમણે વધુમાં કહ્યું કે, સહાયની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા સીધી જ ડીબીટી મારફતે મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે, જેથી કોઈ મુશ્કેલી પડતી નથી. સહેનાજબેને ભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સગર્ભાવસ્થાથી લઈને બાળકના રસીકરણ સુધી સરકાર મારા જેવી હજારો માતાઓની પડખે સાચા સાથીની જેમ ઉભી રહે છે. માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યની આટલી ચિંતા કરવા બદલ હું ગુજરાત સરકાર અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું.
------------

Comments

COMMENT / REPLY FROM