Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના વાંઢ નજીક રાતના અંધકારમાં બ્લાસ્ટિંગ કરી બોક્સાઈટની ખુલ્લેઆમ તસ્કરી

29 September

સીમાડા કોતરી ખાતા ભૂમાફિયા



સ્થાનિક રહેવાસીઓ અને માન્ય લીઝધારકોમાં ભારે રોષ : પોલીસ, રેવન્યુ અને વહીવટી તંત્રની તપાસના નાટક છતાં કાર્યવાહી શૂન્ય રહેતા અનેક શંકા-કુશંકાઓ : ગાંધીનગરના ’મોટા માથા’ અને વહીવટી તંત્રના આશીર્વાદથી કુદરતી સંપત્તિનો વિનાશ ; અવારનવાર સ્થળ તપાસ કરવા આવતા અધિકારીઓની નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલો

કચ્છમાં બોક્સાઈટ ચોરીની નવી પેટર્ન : વાંઢના સીમાડામાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી ધરતી કરાઈ રહી છે ખોખલી : અંધેર વહીવટ સામે સ્થાનિકોમાં જ્વાળામુખી જેવો આક્રોશ : માંડવી તાલુકામાં કુદરતી મિલકતની ખુલ્લેઆમ લૂંટ



ભુજ - કચ્છઉદય : કચ્છની પવિત્ર ભૂમિ પર આજે ખનિજ ચોરોની ગીધ જેવી નજર મંડાયેલી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે હિટાચી અને લોડર જેવા અતિભારે મશીનો વડે ખોદકામ કરીને ખનિજની ચોરી આચરવામાં આવતી હોય છે, પરંતુ માંડવી તાલુકાના વાંઢ નજીકના સીમાડામાં ભૂમાફિયાઓએ તમામ મર્યાદાઓ નેવે મૂકી દીધી છે. વાંઢ નજીકના આ સીમાડામાં અત્યંત ખતરનાક અને ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરીને ધરતીના પેટાળમાંથી મોટા પ્રમાણમાં અત્યંત કિંમતી બોક્સાઈટ ખનિજની ચોરી કરવાનો સનસનાટીભર્યો ખેલ ચાલી રહ્યો છે. રાત્રિના અંધકારમાં ધડાકા ભેર થતા બ્લાસ્ટ અને પહાડોના વિંધાવાથી સમગ્ર વાંઢ વિસ્તાર ધ્રૂજી ઉઠે છે. પહાડો અને સીમાડાને કૂખ્યાત ઘોરખોદિયાઓની જેમ કોતરીને કિંમતી સંપત્તિ ઉસેડી જવાનો આ ખેલ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.
વાંઢ નજીકના સીમાડામાં ચાલી રહેલી આ બેફામ અને નિર્લજ્જ બોક્સાઈટ ચોરીના કારણે આસપાસના વૈધ લીઝધારકો તેમજ સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ અને અસંતોષની જ્વાળા ભભૂકી રહી છે. કાયદેસર રીતે નીતિ-નિયમો પાળીને કામ કરતા લીઝધારકો પોતાના હક્ક અને વ્યવસાય માટે આશંકા સેવી રહ્યા છે, જ્યારે ગ્રામજનો પોતાના સીમાડા અને પર્યાવરણના થઈ રહેલા વિનાશથી અત્યંત ભયભીત અને ક્રોધિત છે. સ્થાનિકોનો સણસણતો આક્ષેપ છે કે રાત પડે એટલે આ વિસ્તારમાં સરકારી સંપત્તિને ખુલ્લેઆમ લૂંટવાનો પરવાનો મળી જાય છે. આ સીમાડામાં એક જ રાતમાં ડઝનબંધ ટ્રકો ભરીને બોક્સાઈટ પ્રોસેસિંગ એકમો સુધી પહોંચાડી દેવાય છે.
સૌથી વધુ ચોંકાવનારી અને શરમજનક બાબત તો એ છે કે આ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, રેવન્યુ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અનેક વખત સ્થળ તપાસ માટે રૂબરૂ આવી ચૂક્યા છે. પરંતુ, સ્થળ તપાસના આ તમામ નાટકો પછી પણ આજદિન સુધી ખનિજચોરો સામે કોઈ જ નક્કર કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારી બાબુઓની આ રહસ્યમય નિષ્ક્રિયતા અને મૌન છતું કરે છે કે આ ખેલ પાછળ કેટલી ઊંડી મીલીભગત છે. વહીવટી તંત્રની આ લાચારી અને ઉદાસીનતાએ પ્રજાના મનમાં અનેક ગંભીર શંકાઓ અને સવાલો ઊભા કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠેઠ દિલ્હી કે અમદાવાદ અને ગાંધીનગરના મોટા માથાઓની મજબૂત ભલામણ અને ખાખી તથા વહીવટી આકાઓને પહોંચતી મસમોટી પ્રસાદીના જોરે આ કાળો કારોબાર બિનધિસ્ત ચાલી રહ્યો છે. જ્યારે પણ કોઈ સ્થાનિક કે નીચેનો અધિકારી આ અબજો રૂપિયાના બોક્સાઈટ કૌભાંડ પર દંડો ઉગામવાની હિંમત કરે છે, ત્યારે ગાંધીનગરના ઉચ્ચ બંગલાઓમાંથી આવતા એક જ ફોન કોલથી તપાસના કાગળો અભરાઈએ ચડી જાય છે. એક તરફ ખાણ-ખનિજ કચેરીના અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે અને બીજી તરફ વાંઢના સીમાડામાં ગેરકાયદેસર ધડાકા કરીને કિંમતી બોક્સાઈટ લૂંટાઈ રહ્યું છે. જો વહેલી તકે આ બ્લાસ્ટિંગ અને લૂંટ અટકાવી જવાબદારો સામે કડક કાનૂની પાસાં નહીં ફેંકાય તો સ્થાનિકો અને લીઝધારકોનો આ આક્રોશ કોઈ મોટું જનઆંદોલન ધરી લે તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

Comments

COMMENT / REPLY FROM