Trending News
સ્થાનિક સમાચાર

પીજીવીસીએલના બોગસ મીટર કૌભાંડમાં ભુજ સર્કલમાં વધુ બદલીઓની ચકચાર 

29 September



કચ્છ ઉદયના અહેવાલો બાદ વીજ વિભાગમાં મચી ગયો હતો હડકંપ : મીટર વિવાદમાં ભુજથી બદલીના આદેશો બાદ હવે બારોબાર વીજ લાઈનો ખસેડવાના પ્રકરણમાં વધુ કર્મચારીઓ સામે કાર્યવાહીના એંધાણ : ભુજ સર્કલમાં પ્રમોશન અને પેન્ડિંગ ટ્રાન્સફરના આદેશો સાથે મોટો ઉલટફેર


ભુજ - કચ્છ ઉદય : ભુજ વર્તુળમાં પીજીવીસીએલના કેટલાક કર્મચારીઓ અને વચેટીયાઓ દ્વારા આચરવામાં આવેલા બોગસ મીટર કૌભાંડ અને વહીવટી ગેરરીતિઓ સંદર્ભે કચ્છ ઉદય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલો બાદ વીજ વિભાગના ઉચ્ચ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. તંત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને ગેરરીતિઓના કિસ્સાઓ જાહેરમાં આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. આધારભૂત વર્તુળો પાસેથી મળતી માહિતી અનુસાર, ભુજ ખાતે ફરજ બજાવતા સંબંધિત અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. બોગસ મીટરના વિવાદ ઉપરાંત આ અધિકારી સામે અન્ય કેટલીક ફરિયાદો પણ તંત્ર સુધી પહોંચી હોવાથી વહીવટી કારણોસર આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર પ્રકરણની વિગતો પર નજર કરીએ તો, ભુજમાં પીજીવીસીએલના કેટલાક કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની ગેરરીતિના કારણે વીજ તંત્રને મોટું નુકસાન પહોંચ્યું હતું. પીડી રજિસ્ટર સત્તાવાર રીતે ઉપલબ્ધ ન હોવાના કારણે જૂના અને જપ્ત કરાયેલા આશરે ૩૦૦ જેટલા મીટરોનો અનઓથોરાઇઝ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે જવાબદાર સ્ટાફની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. અગાઉ તંત્ર દ્વારા કેટલાક કર્મચારીઓ સામે સસ્પેન્શન સહિતના શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ અહેવાલોના આધારે તપાસ વધુ ઊંડાણપૂર્વક આગળ વધી રહી છે.
અધિકારીની જગ્યા બદલાતાં જ હવે આ પ્રકરણ સાથે જોડાયેલા અન્ય સ્ટાફમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 
વિગતો મુજબ, માત્ર બોગસ મીટર પૂરતી આ બાબત મર્યાદિત નથી, પરંતુ સત્તાવાર મંજૂરી કે નિયમાનુસાર પ્રક્રિયા વગર બારોબાર વીજ લાઈનો ટ્રાન્સફર કરી આપવાના પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. ‘કચ્છ ઉદય’માં વિગતો ઉજાગર થયા બાદ વિભાગીય તપાસ તેજ બની છે અને આગામી દિવસોમાં લાઈન ટ્રાન્સફરના આ કિસ્સાઓમાં સંકળાયેલા વધુ કેટલાક કર્મચારીઓ કે અધિકારીઓ સામે પગલાં ભરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ, આ તમામ ઘટનાક્રમ વચ્ચે પીજીવીસીએલના ભુજ સર્કલમાં મોટા પાયે વહીવટી ફેરફારો જોવા મળ્યા છે. લાંબા સમયથી અટકેલી પેન્ડિંગ બદલીઓ તેમજ પ્રમોશન મેળવનારા અધિકારીઓની ટ્રાન્સફરના આદેશો એકસાથે જાહેર કરવામાં આવ્યા છે. વિભાગીય સુધારા અને કામગીરીને વધુ સુચારુ બનાવવાના ભાગરૂપે આ ફેરબદલ કરવામાં આવી હોવાનું કહેવાય છે.


.

Comments

COMMENT / REPLY FROM