Trending News
સ્થાનિક સમાચાર

ઘરાણા ખાતે સઘન આઈઈસી અભિયાન-૩.૦ અંતર્ગત એચઆઈવી, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે જાગૃતિ કાર્યક્રમ

28 September



ભચાઉ - કચ્છઉદય : ઘરાણા સરકારી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય એઇડ્‌સ અને એસટીડીઝ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સઘન આઈઈસી અભિયાન-૩.૦ હેઠળ એચઆઈવી - એઈડ્‌સ, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી સહિતના ચેપી રોગો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર દેશમાં તા. ૧૨ ઓગસ્ટથી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સઘન આઈઈસી અભિયાન-૩.૦ હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ એચઆઈવી - એઈડ્‌સ સહિત વિવિધ ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક માહિતી લોકો સુધી પહોંચાડવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી, જિલ્લા ટીબી - એચઆઈવી અધિકારી ડો. મનોજ દવે તથા ભચાઉ તાલુકા આરોગ્ય અધિકારી ડો. નારાયણસિંઘના માર્ગદર્શન હેઠળ અને સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરીના દિશાનિર્દેશનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામખીયારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સુપરવાઈઝર દીપકભાઈ દરજી, સીએચઓ  પ્રદીપ રાવત તથા આરોગ્ય કાર્યકર પ્રવીણ ગામોટ અને કંચનબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને એચઆઈવી - એઈડ્‌સ, ટીબી, હિપેટાઇટિસ અને લેપ્રસી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ ચેપી રોગોના કારણો, સંક્રમણના માર્ગો, લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી.એચઆઈવી - એઈડ્‌સ  અંગે સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, સમયસર આરટીઆર ટેસ્ટિંગ, એચઆઈવી સારવાર તેમજ એચઆઈવી સાથે જીવતા લોકો પ્રત્યે ભેદભાવ અને કલંક દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીબી અને લેપ્રસીના લક્ષણો, સમયસર તપાસ તથા નિયમિત સારવારના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા માટેના અટકાયતી પગલાં અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રોગો તથા તેના નિવારણ અંગે પૂછેલા પ્રશ્નોના આરોગ્યકર્મીઓ દ્વારા સંતોષકારક અને વૈજ્ઞાનિક રીતે જવાબ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ યુવાનો સુધી એચઆઈવી, એસટીઆઈ, ટીબી, હિપેટાઇટિસ તથા રક્તદાન અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવા, ગેરમાન્યતાઓ દૂર કરવા અને સમયસર તપાસ તથા સારવાર માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ઘરાણા સરકારી હાઈસ્કૂલના આચાર્ય જગદીશભાઈ પરમાર તથા સમગ્ર શાળા સ્ટાફ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM