દિલ્હીમાં કિસાન સંઘના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં ભાગ લેવા ભુજથી ૫૦ સભ્યો રવાના
ભુજ - કચ્છઉદય : ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે એક વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનારા આ અખિલ ભારતીય મહિલા કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે કચ્છથી ૪૦ મહિલાઓ અને ૧૦ ખેડૂતો મળીને કુલ ૫૦ સભ્યોની ટીમ રવાના થઈ છે.
ભુજમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ તમામ સભ્યો દિલ્હી જવા રવાના થયા હતા. પ્રસ્થાન વેળાએ મહાદેવ મંદિરના પૂજારી દ્વારા સૌને તિલક કરીને પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંગે માહિતી આપતાં ગુજરાત પ્રદેશ મહિલા સંયોજિકા રાધાબેન ભુડીયાએ જણાવ્યું હતું કે, આ મહાસંમેલનમાં ભાગ લેવા માટે પૂરા ભારતમાંથી બહેનો દિલ્હી આવી રહી છે અને મહિલા ખેડૂતોના યોગદાનને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત ભીમજીભાઇ કેરાસીયાએ પણ આ સંમેલન અને કચ્છથી જઈ રહેલા પ્રતિનિધિમંડળ અંગેની વિગતો પૂરી પાડી હતી.
-----------------

Comments