Trending News
સ્થાનિક સમાચાર

વાગડમાં સુશાસનના દાવાઓની હવામાં ઊડી ધૂળ 

27 September


વોંધ ગામે લાખોના સી સી રોડના કામોમાં લીપાપોતીથી ભારે ખળભળાટ

૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા રૂ.૨૫ લાખથી વધુના સીસી રોડના કામોમાં ટેકનિકલ નિયમોના ધજગરા : જૂના રોડ પર જ મેટલ કે બેઝ બનાવ્યા વિના ૧ થી ૨ ઇંચનું હલકી કક્ષાનું માલ-સામાન થાપી દેવાયાનો ગ્રામજનોનો આક્રોશ :  મુખ્યમંત્રીથી લઈ એસીબી સુધી તટસ્થ તપાસની ઉગ્ર માંગ : ચોબારીમાં શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચાર બાદ હવે વોધ ગામે વિકાસ કામોની ગુણવત્તા અંગે ઉઠ્યા સવાલ 


ભચાઉ - કચ્છઉદય : કચ્છના વાગડ પંથકમાં વિકાસના નામે ચાલતી ભ્રષ્ટાચારની નીતિ-રીતિ હવે સીમાઓ વટાવી રહી છે. તાજેતરમાં જ ચોબારી ગામે શાળાના બાંધકામના વિકાસ કામમાં થયેલા ગંભીર ભ્રષ્ટાચાર અને લોટ પાણી ને લાકડા જેવી કામગીરીનો મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં હવે ભચાઉ તાલુકાના વોંધ ગામે પણ રોડ-રસ્તાના વિકાસ કામોમાં ઉઘાડી લીપાપોતી સામે આવતા સમગ્ર વાગડ પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રજાના કરવેરાના નાણાંનો કઈ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવે છે અને સરકારી કાગળો પર વિકાસ દર્શાવીને સ્થળ પર કેવી કાગળ પરની કામગીરી કરવામાં આવે છે તેનો એક જાગૃત ઉદાહરણ વોંધ ગામે જોવા મળી રહ્યો છે.
વોંધ ગામના જાગૃત ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ તંત્રને કરવામાં આવેલી ધારદાર રજૂઆતોમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ગામના મેઈન બજારમાં દાના જેઠા કાપડીના ઘરથી જેન દેરાસર, ત્યાંથી ભગવાનદાસ સાધુના ઘર, હનુમાન મંદિર, સુથારવાસ અને વાળંદવાસ સુધીના ભાગોમાં ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૫-૫ લાખના પાંચ અલગ-અલગ તબક્કામાં લાખો રૂપિયાના સી.સી. રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, સ્થળ નિરીક્ષણ દરમિયાન આ કામગીરી સરકારી નિયમો અને મંજૂર પ્લાન-એસ્ટિમેટની સાવ વિપરીત થઈ રહી હોવાનું ખુલ્લું પડ્યું છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત સત્તાધીશો દ્વારા જૂના રોડને યોગ્ય રીતે તોડ્યા વગર, જરૂરી મેટલ કે બેઝ તૈયાર કર્યા વિના જ અગાઉના બનેલા રોડ ઉપર જ સાવ તકલાદી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને માત્ર ૧ થી ૨ ઇંચનો જ માલ ચડાવી દેવામાં આવી રહ્યો છે.આ સરકારી નાણાંની ખુલ્લી લૂંટ એટલેથી જ અટકતી નથી. અગાઉ પણ વોંધ ગામે કન્યા શાળાથી મેઈન બજાર તરફ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી જ સી.સી. રોડનું કામ કરવામાં આવ્યું હતું. તે કામ પૂર્ણ થયાના આશરે ૧૦ થી ૧૫ દિવસમાં જ રોડમાં મોટા ગાબડાં અને તિરાડો પડી ગઈ હતી. અગાઉ થયેલા આ ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોએ રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય તપાસ કે જવાબદારી નક્કી કરવામાં આવી નથી. અગાઉના આ કૌભાંડ અને નાબળા કામને છુપાવવા માટે જ હાલમાં ઉતાવળે વિવિધ રોડના કામો કરી લીપાપોતી કરવામાં આવી રહી હોવાનો રોષ ગ્રામજનોમાં ભભૂકી રહ્યો છે. રોડનું લેવલ અયોગ્ય રીતે ઊંચું કરી દેવાતા ભવિષ્યમાં ચોમાસા દરમિયાન ગ્રામજનોના ઘરોમાં વરસાદી પાણી ભરાવાની અને ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાઓ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
વાગડ પંથકમાં સતત સામે આવી રહેલા આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓથી પ્રજાનો સ્થાનિક વહીવટ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. વોંધ ગામના નારણ અંબાવી બેરા અને અન્ય ગ્રામજનોએ આ સમગ્ર મામલે આરપારની લડાઈનો મૂડ બનાવી લીધો છે. તેમણે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ભચાઉ તેમજ લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો ગાંધીધામ અને ભુજ સમક્ષ સત્તાવાર લેખિત ફરિયાદો મોકલી આપી છે. ગ્રામજનોએ કડક શબ્દોમાં માંગણી કરી છે કે રોડના બેઝ, જાડાઈ, લેવલ, મટીરિયલ તથા વપરાયેલી સામગ્રીની ટેકનિકલ અને લેબોરેટરી તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત એમબી રોલ, બિલ, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર અને ટેન્ડર પ્રક્રિયાના રેકોર્ડની ચકાસણી કરી ભ્રષ્ટાચાર આચરનારા સરપંચ, તલાટી, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસે તેવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ નહીં કરાય તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM