વિશ્વ હૃદય દિવસ નિમિત્તે કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદય તપાસ કેમ્પનું આયોજન
ભુજ - કચ્છઉદય : વિશ્વ હૃદય દિવસ નિમિત્તે કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ દ્વારા લોકોમાં હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને સમયસર હૃદયની તપાસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી આગામી ૨૯ સપ્ટેમ્બરના રોજ એક વિશેષ નિઃશુલ્ક હૃદય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન હોસ્પિટલ પરિસરમાં યોજાશે.
હૃદય સંબંધિત ઘણી બીમારીઓ શરૂઆતના તબક્કામાં કોઈ સ્પષ્ટ લક્ષણો આપતી નથી, જેથી સમયસર તપાસ અને નિષ્ણાત તબીબની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોજાયેલા કેમ્પમાં મુલાકાત લેનાર નાગરિકો માટે નિઃશુલ્ક ઈસીજી, નિઃશુલ્ક રડી ઈકો સ્ક્રિનિંગ તેમજ નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટની સલાહ-સૂચન સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, તબીબી જરૂરિયાત મુજબની અન્ય વધુ તપાસ અને સારવાર પર દર્દીઓને વિશેષ રાહત આપવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. હોસ્પિટલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે હૃદય સંબંધિત કોઈ તકલીફ કે લક્ષણોની રાહ જોયા વગર દરેક વ્યક્તિએ સમયસર પોતાના હૃદયની તપાસ કરાવવી જોઈએ. આ કેમ્પનો લાભ લેવા માટે પૂર્વ નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી કરાવવા માટે ઈચ્છુક નાગરિકો +૯૧ ૯૧૦૪૩ ૧૨૦૨૨ નંબર પર સંપર્ક કરી શકે છે. “તમારું હૃદય મહત્વનું છે - આજે જ તેની કાળજી લો અને સ્વસ્થ આવતીકાલ તરફ એક પગલું ભરો” તેવા સંદેશ સાથે લોકોને આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો છે.
-------

Comments