સરકારની નિઃશુલ્ક સારવારથી દૂધઈના યુવાનને ટીબીથી મળી મુક્તિ
અંજાર - કચ્છઉદય : ટીબી મુક્ત ભારત અભિયાન એ ક્ષય રોગને નાબૂદ કરવા માટે ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. ક્ષય રોગ આજે પણ એક ગંભીર પરંતુ સમયસર નિદાન અને નિયમિત સારવારથી સંપૂર્ણપણે મટાડી શકાય તેવો રોગ છે. ભારત સરકારના રાષ્ટ્રીય ક્ષય ઉન્મૂલન કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ટીબીની મફત તપાસ, મફત સારવાર, પોષણ સહાય અને નિયમિત અનુસરણની સેવાઓ ઉપલબ્ધ છે ત્યારે આ સેવાઓ થકી દૂધઈ ગામના ઇમરાનભાઈ ઉમરીયાને નવજીવન પ્રાપ્ત થયું છે.
આ અંગે લાભાર્થી ઇમરાનભાઈ ઉમરીયાએ જણાવ્યું હતું કે, મને સતત ૨ માસ સુધી ખાંસી રહેતી હતી જે કોઈ દવાથી મટતી ન હતી. તેથી મેં સરકારી દવાખાનામાં તપાસ કરાવી, જ્યાં મને ટીબી હોવાનું નિદાન થયું. નિદાન બાદ તેમને સરકાર તરફથી સંપૂર્ણ મફત સારવાર, પોષણ સહાય અને નિયમિત ફોલોઅપની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પોતાની સારવારના અનુભવ વિશે વાત કરતા ઇમરાનભાઈએ કહ્યું કે, મેં ડોક્ટરની સલાહ મુજબ ૬ માસનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કર્યો છે, જેના કારણે આજે મારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા મને રૂ. ૩૦૦૦ ની આર્થિક સહાય, નિયમિત ચેકઅપ તેમજ પોષણ માટે પોષણકીટ પણ આપવામાં આવી હતી. સમયસર નિદાન અને નિઃશુલ્ક સારવારના કારણે હું ઝડપથી સ્વસ્થ થઈ શક્યો છું.
ઉલ્લેખનીય છે કે, ટીબીની શંકા હોય તો કફની તપાસ ઉપરાંત જરૂરી હોય ત્યારે ્િેીહટ્ઠં / ઝ્રમ્દ્ગછછ્ જેવી આધુનિક મોલેક્યુલર તપાસ પણ જિલ્લાની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે. દર્દીએ સારવાર વચ્ચે ક્યારેય દવા બંધ ન કરવી અને ડૉક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવી અત્યંત જરૂરી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી દર્દીઓના પરિવારજનો અને નજીકના સંપર્કોની પણ તપાસ કરવામાં આવે છે તેમજ જરૂરી હોય ત્યાં ટીપીટી આપવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ટીબી થવાનું જોખમ ઘટાડી શકાય છે.
--------
ટીબીના ૧૦ મુખ્ય લક્ષણો
• બે અઠવાડિયાથી વધુ સમય સુધી સતત ઉધરસ. • કફમાં લોહી આવવું. • સતત અથવા વારંવાર તાવ આવવો. • રાત્રે વધુ પડતો પરસેવો થવો. • વજનમાં સતત ઘટાડો થવો. • ભૂખ ઓછી લાગવી. • સતત થાક અથવા નબળાઈ અનુભવવી. • છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ. • ગળા અથવા શરીરના અન્ય ભાગમાં ગાંઠ (ટીબીના કેટલાક પ્રકારોમાં). • બાળકોમાં વજન ન વધવું, વારંવાર તાવ અથવા લાંબા સમય સુધી ઉધરસ રહેવી.
------
જિલ્લા આરોગ્ય વિભાગની અપીલ
• બે અઠવાડિયાથી વધુ ઉધરસ હોય તોટીબીની મફત તપાસ કરાવો.
• ટીબીની સારવાર ક્યારેય અધૂરી ન છોડો.
• ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલ અથવા કોણીનો ઉપયોગ કરો.
• પૌષ્ટિક આહાર લો અને નિયમિત દવા લો.
• ટીબી અંગેની ખોટી માન્યતાઓથી દૂર રહો- ટીબીસંપૂર્ણપણે મટાડી શકાય છે.
-----------

Comments