Trending News
સ્થાનિક સમાચાર

ભડલીમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો 

24 September


તંત્રના દરોડામાં ટ્રક-જેસીબી સહિત રૂ. ૭૬.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત


નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના ભડલી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે મેટલ - મોરમનું ખનન અને પરિવહન થતું હોવાની મળેલી બાતમીના આધારે વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ૨૯ ટન મેટલ-મોરમ ભરેલો ટ્રક અને ખનન માટે ઉપયોગમાં લેવાતી જેસીબી ઝડપાઈ આવતાં બંને વાહનો સહિત કુલ રૂ. ૭૬.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ૨૩મી સપ્ટેમ્બરના બપોરે મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ ભડલી ગામની સીમમાં તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર રોયલ્ટી તથા જરૂરી પરવાનગી વગર ખનિજનું ખનન અને પરિવહન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ૨૯ ટન મેટલ-મોરમ ભરેલો ટ્રક તેમજ એક જેસીબી મશીન મળી આવતાં બંનેને કબજે લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક રામજીભાઈ રાજાભાઈ આયર, ટ્રક માલિક ગોપાલભાઈ ભચાભાઈ આયર, જેસીબી ચાલક અભાસ જુસબ પાડા તથા જેસીબી માલિક ગુલામ ફકીરમામદ મકવાણાના નામ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. કામગીરી દરમિયાન સર્કલ ઓફિસર શિવરામ ચૌધરી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તંત્ર દ્વારા ટ્રક, જેસીબી અને મેટલ-મોરમ સહિત કુલ રૂ. ૭૬ લાખ ૪૫ હજારના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર ખનન સામે થયેલી આ કાર્યવાહી બાદ ખનિજ ચોરી અને બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતા ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
----------

Comments

COMMENT / REPLY FROM