લખપતમાં ખનીજચોરો સામે પ્રાંત અધિકારીનો સપાટોઃ પ્રાંત અધિકારી જાગે છે, તો ખનિજ વિભાગ કેમ ઊંઘે છે?
મોરગરમાંથી લાખોનો મુદ્દામાલ ઝડપાતી વેળાએ સુચક આલબેલ
સુરેન્દ્રનગર-થાનના તત્કાલીન ડે.કલેકટર શ્રી એચ.ટી.મકવાણાની જેમ કચ્છમાં પણ હવે ખનીજચોરો કે જેઓ રીઢા બની ગયા છે, જેમની સામે વધારે કેસો નોધાયેલા છે તેવા તત્વોની સામે ગુજસીટોક કરવાની દીશામાં કરવી જોઈએ કડક કાર્યવાહી
ફ્લાઈંગ સ્ક્વોડ, ખાણ-ખનિજ અને સ્થાનિક મહેસૂલ તંત્ર કેમ નિષ્ક્રિય? ાંધીનગરથી પૂર્વ સચિવ કક્ષાના અધિકારીનું સેટિંગ હોવાની ચચા : પ્રાંત અધિકારીની જાબાંજી ભરી કાર્યવાહીને ઠેર ઠેરથી મળતો આવકાર : જો કે, મશીનો પકડયા બાદ આખીય સિન્ડીકેટ ખોલવાની દીશામાં જાગી છે હવે આશ : માત્ર મશીનો પકડી, દંડ અને પેનલ્ટી ફટકારી દેવાથી આ ખનીજચોરો અટકવાના નથી
નખત્રાણાના પ્રાંત અધિકારીમાંથી અન્ય પ્રાંત કેમ ન લે બોધપાઠ : શ્રી ઉત્કર્ષ ઉજવવલ ખનીજચોરી પકડવા ગયા ત્યારે તેમના પર હુમલો પણ થયો હતો છતા પણ ખનીજચોરોને મચક આપતા નથી, ધડાધડ ચોરીઓ પકડી રહ્યા છે, જો આ અધિકારી આટલી હિમંત દાખવી શકે છે, તો અન્ય પ્રાંત અધિકારીઓ કેમ ખનીજચોરોને શબક શીખવડાવા આગળ ન આવે?
ગાંધીધામ : કચ્છના અબડાસા અને લખપત વિસ્તારમાં કુદરતી સંપત્તિ અને ખનીજોની લૂંટ કોઈ નવી વાત નથી, પરંતુ નખત્રાણાના યુવા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા પોતાના જીવના જોખમે કરવામાં આવી રહેલા દરોડાએ સરકારી તંત્રના બેવડા ધોરણો છતા કરી દીધા છે. મુરચબાણ બાદ મોરગરના સીમાડામાંથી મોડી રાત્રે કરોડોના ખનીજચોરીના સાધનો પકડી
પાડવાની ઘટના પ્રાંત અધિકારી માટે અભિનંદનપાત્ર છે, પરંતુ સાથે જ એ સ્થાનિક ખાણ-ખનિજ વિભાગ, ફ્લાઈંગ સ્ક્વોડ અને
પોલીસ તંત્રના મોં પર મોટો તમાચો પણ છે.સવાલ એ થાય છે કે જે કામગીરી માટે ખાસ ખાણ-ખનિજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડ રચવામાં આવી છે, તે વિભાગો શું માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે? પ્રાંત અધિકારી મોડી રાત્રે દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ પકડી શકે, તો સ્પેશિયાલાઈઝ્ડ એજન્સીઓને કાનંગો કાન ખબર પણ નથી પડતી? કે પછી ‘જોઈને અણદેખ્યું’ કરવાની નીતિ
ચાલી રહી છે?વાત સહેજ વિગતે કરીએ તો સરહદી અબડાસા અને લખપત પટ્ટામાં લાંબા સમયથી ધમધમતી કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખનીજચોરી સામે નખત્રાણાના યુવા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે લાલઆંખ કરી
સપાટાબદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે પોતાની ટીમ સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મોરગર ગામના સીમાડામાંથી લાખો રૂપિયાની કિંમતના ખનીજચોરીના સાધનો, મશીનરી અને બિનઅધિકૃત રીતે ખોદેલો ખનીજનો જથ્થો પકડી પાડતા ખનીજ માફિયાઓમાં ભારે ફાડ પડી છે.નોંધનીય છે કે, થોડા સમય પહેલાં જ પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે મુરચબાણ જેવા દુર્ગમ વિસ્તારમાં પહોંચીને ફિલ્મ ડ્રામાની જેમ પોતાના જીવના જોખમે ખનીજચોરીનો
પર્દાફાશ કર્યો હતો. એ સમયે ખનીજચોરોએ તેમના પર
પથ્થરમારો કરી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. છતાં અટક્યા વિના પ્રાંત અધિકારીએ મોરગરમાં રાત્રિના સમયે ત્રાટકીને કરોડોના ખનીજ સિન્ડિકેટને મોટો ફટકો માર્યો છે.આ ખનીજચોરી માત્ર બે-ચાર જેસીબી ચાલકો કે ડ્રાઈવરો પૂરતી સીમિત નથી. તેની
પાછળ સફેદપોશ રાજકારણીઓની છત્રછાયા અને ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા પૂર્વ સચિવ કક્ષાના અધિકારીઓના સેટિંગ હોવાના આક્ષેપો અત્યંત ગંભીર છે. જો સરકારી મહેસૂલની લૂંટ રોકવી હોય, તો માત્ર વાહનો કે મશીનો સીઝ કરવાથી કામ નહીં ચાલે. ગાંધીનગરથી લઈને અબડાસા-લખપતના સીમાડા સુધી ફેલાયેલા આખી ‘ખનીજ સિન્ડિકેટ’ના આકાઓને જેલના સળિયા પાછળ ધકેલવા પડશે, નહીં તો એક અધિકારી દરોડા
પાડશે અને પાછળથી અન્ય ભ્રષ્ટ તત્વો આ લૂંટ ચાલુ જ રાખશે.
...................
ખાણ-ખનિજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડની કામગીરી સામે સવાલો
ગાંધીધામ : એક તરફ પ્રાંત અધિકારી જાતે સીમાડા ખૂંદીને રાત્રિ દરમિયાન સફળ દરોડા પાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ ખનીજચોરી અટકાવવાની જેની પ્રાથમિક અને સીધી જવાબદારી છે તે પશ્ચિમ કચ્છ ખાણ-ખનિજ વિભાગ, સ્થાનિક પોલીસ અને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ કેમ ‘કોમા’માં પડી છે? તેવા ગંભીર સવાલો ઊભા થયા છે. * શું આ વિસ્તાર ખાણ-ખનિજ વિભાગના કાર્યક્ષેત્રમાં નથી આવતો? * પ્રાંત અધિકારીને મળતી ચોક્કસ બાતમી ખનિજ વિભાગ કે સ્થાનિક પોલીસ તંત્ર સુધી કેમ નથી પહોંચતી? * કે પછી જવાબદાર વિભાગોની ઈચ્છાશક્તિનો જ અભાવ છે?
.................
ગાંધીનગર-સચિવાલય સુધી તાર જોડાયેલા હોવાની ચર્ચાઃ પૂર્વ સચિવની સંડોવણી?
ગાંધીધામ : આ ખનીજચોરીના નેટવર્ક પાછળ માત્ર સ્થાનિક ભૂમાફિયાઓ જ નહીં, પણ ગાંધીનગર અને અમદાવાદના મોટા શખ્સો જોડાયેલા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાંધીનગરના ખાણ-ખનિજ વિભાગના જ એક સચિવ કક્ષાના પૂર્વ અધિકારીના સેટિંગ અને આશીર્વાદથી આ આખું રેકેટ ચાલી રહ્યું હેાવાની પણ ચર્ચા છે. ગાંધીનગરથી મંજૂરી અને કવર-અપ અપાવીને ખાખી, મહેસૂલ અને ખનિજ વિભાગના નીચેના સ્તરના તંત્રોને તેમના ‘કદ’ પ્રમાણે સાચવી લેવામાં આવતા હોવાની વાતો વહેતી થઈ છે. પ્રાંત અધિકારીની આ સરાહનીય કાર્યવાહી બાદ હવે ગાંધીનગરથી ખનીજચોરીને ઓથ આપનારા એ પૂર્વ સચિવ કક્ષાના અધિકારી અને સિન્ડિકેટના મુખ્ય સૂત્રધારોના નામો ખુલ્લીને બહાર આવે તેવી લોકમાગ ઉઠી છે.
....................
ઝભ્ભા-લેંઘાવાળા રાજકારણીઓની છત્રછાયા અને ‘તળાવ ઊંડા’ કરવાના બહાના
ગાંધીધામ : અબડાસા-લખપત પટ્ટામાં બોક્સાઈટ, માટી અને અન્ય કિંમતી ખનીજોની ચોરી કોઈ સામાન્ય બાબત નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે ચાલતું મોટું કૌભાંડ છે. સ્થાનિક સ્તરે ‘ઝભ્ભા-લેંઘાવાળા’ રાજકીય આકાઓની છત્રછાયા હેઠળ જ આ સિન્ડિકેટ ફૂલીફાલી રહી છે. ક્યારેક તળાવ ઊંડા કરવાના નામે તો ક્યારેક અન્ય સરકારી પરિપત્રો અને મંજૂરીઓની ઓથ લઈને બુલડોઝરો અને જેસીબી મશીનો વડે સરકારી સંપત્તિ લૂંટવામાં આવી રહી છે. છૂટીછવાયી કામગીરી થાય છે પરંતુ આખીય સિન્ડિકેટને મૂળમાંથી તોડી પાડતી ધાકડાબેસાડ કાર્યવાહીનો અભાવ જોવા મળે છે.

Comments