અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવતી કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ખાસ અપીલ
ભુજ - કચ્છઉદય : દર વર્ષે ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ‘વિશ્વ અંગદાન સપ્તાહ’ નિમિત્તે સમાજમાં અંગદાનના અતિ મહત્ત્વપૂર્ણ વિષય અંગે જનજાગૃતિ ફેલાવવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવે છે. આ સપ્તાહ લોકોને અંગદાન વિશે સાચી માહિતી મેળવવા, પરિવારજનો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવા અને આ મહાદાનનું મૂલ્ય સમજવા માટે પ્રેરિત કરે છે. અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ ગંભીર અંગ નિષ્ફળતા (ઓર્ગન ફેલ્યોર)થી પીડાતા દર્દીઓ માટે જીવનની બીજી તક સમાન એક માનવતાભર્યો સંકલ્પ છે.
આજે કિડની, લિવર, હૃદય અને ફેફસાં જેવા જીવનજરૂરી અંગોના પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ)ની જરૂરિયાત ધરાવતા અનેક દર્દીઓ યોગ્ય સમયસર અંગ મળવાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિનો અંગદાનનો સાચો નિર્ણય એક કરતાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનો નવો પ્રકાસ અને નવી શરૂઆત લાવી શકે છે. અંગદાન અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજો અને પ્રશ્નો દૂર કરવા માટે સાચી અને અધિકૃત માહિતી મેળવવી અત્યંત જરૂરી છે. અંગદાનની પ્રક્રિયા, નિયમો અને યોગ્યતા અંગે હંમેશા તબીબી નિષ્ણાતો અને સરકારી સંસ્થાઓ પાસેથી જ માર્ગદર્શન મેળવવું જોઈએ.
આ પ્રસંગે કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ વિશ્વ અંગદાન સપ્તાહ દરમિયાન અંગદાન વિશે સાચી માહિતી મેળવીએ, ગેરસમજો દૂર કરીએ, પરિવાર સાથે આ વિષય પર સંવાદ સાધીએ અને સમાજમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવીએ. તમારો એક નિર્ણય, કોઈના માટે જીવનની નવી શરૂઆત બની શકે છે. વધુ માહિતી માટે કે.કે. પટેલ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ, કચ્છ યુનિવર્સીટીની બાજુમાં, મુન્દ્રા રોડ, ભુજનો સંપર્ક કરી શકો છો.
-------------

Comments