માનવજ્યોત દ્વારા પાલારા ખાતે શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવાશે
ભુજ - કચ્છઉદય : માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી શ્રાદ્ધ નિમિત્તે સેવા અને પુણ્યકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ તથા એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો, પાલારા ખાતે સતત ૧૪ દિવસ સુધી શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવવામાં આવશે.
આ વિધિ જાણીતા વિધિકાર દીપક મહારાજ, નારાયણ સરોવરવાળાના માર્ગદર્શન હેઠળ યોજાશે. ભુજના વિવિધ મહિલા મંડળો તથા પરિવારો આશ્રમે પધારી શ્રદ્ધાપૂર્વક વિધિમાં જોડાઈ પિતૃઓને પાણી અર્પણ કરશે. શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગો અને મસ્તરામોને ભાવતું ભોજન પીરસવામાં આવશે. કર્માધીન મસ્તરામો તેમજ એકલા-અટુલા અને નિરાધાર વૃદ્ધોને ભોજન કરાવવાથી પુણ્યનું ભાથું બંધાતું હોવાનું માનવામાં આવે છે. આથી લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા સેવાકાર્યોને શ્રેષ્ઠ પુણ્યકાર્ય તરીકે અપનાવે છે. માનવજ્યોત સંસ્થા દ્વારા દરરોજ ૧૧૭ એકલા-અટુલા અને નિરાધાર વૃદ્ધોને તેમના ઘરે ટિફિન મારફતે નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. ઉપરાંત રંક બાળકો તથા શ્રમજીવીઓને પણ ભોજન કરાવવામાં આવશે. જીવદયાના કાર્યરૂપે ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા તથા માછલીઓને લોટ આપવામાં આવશે અને કીડીયારો પણ પૂરવામાં આવશે. શ્રાદ્ધ પ્રસંગે પોતાના હાથે શાસ્ત્રોક્ત વિધિ કરવા તથા વિવિધ પુણ્યકાર્યોમાં સહભાગી બનવા ઇચ્છતા પરિવારો, દાતાઓ અને મંડળોએ માનવજ્યોત સંસ્થા ભુજનો ફોન નં. ૦૨૮૩૨ - ૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦ ૨૯૮૦૦ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
------

Comments