ભચાઉ પ્રાંત કચેરી ખાતે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સરકારી તંત્ર સાથે ઔદ્યોગિક એકમો અને આરોગ્ય વિભાગની સંયુક્ત પહેલથી કરાશે કામગીરી
ભચાઉ - કચ્છઉદય : પ્રાંત કચેરી, ભચાઉ ખાતે ભચાઉ તાલુકામાં આવેલ વિવિધ ઔદ્યોગિક એકમોનાપ્રતિનિધિઓ સાથે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ભચાઉ પ્રાંત અધિકારી અભિષેક પ્રમોદ તલેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રાંત અધિકારીએ બેઠકના મુખ્ય એજન્ડા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. નારાયણસિંહ દ્વારા ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા, ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા અને ‘નિક્ષય મિત્ર’ તરીકે જોડાઈનેદર્દીઓને ન્યુટ્રિશનલ સપોર્ટ આપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઔદ્યોગિક એકમોને ‘નિક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવી ટીબી દર્દીઓની સારવાર દરમિયાન પોષણ સહાય પૂરી પાડવા માટે અપીલ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પ્રેરણાદાયી પહેલરૂપે પ્રાંત અધિકારી દ્વારા સૌપ્રથમ ૫ ટીબી દર્દીઓને ૩ મહિના માટે પોષણ કીટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટીબી-એચઆઈવી કો-ઇન્ફેક્ટેડ દર્દીને પોષણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે સેન્ચ્યુરી પ્લાયવુડ કંપની દ્વારા ૧૦ ટીબી દર્દીઓને ૩ મહિના સુધી પોષણ કીટ આપવાની જાહેરાત કરાઈ હતી. બેઠકમાં ઉપસ્થિત અન્ય ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને પણ ટીબી દર્દીઓ માટે પોષણ સહાય આપવા બાબતે પોતાની સંસ્થા સાથે ચર્ચા કરીને સત્તાવાર રીતે તંત્રને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકને સફળ બનાવવા માટે તાલુકા આરોગ્ય કચેરી, ભચાઉની ટીમ, એસટીએસ ભચાઉ સી.એચ. યશ પ્રજાપતિ તથા ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાપર તાલુકા આરોગ્ય અધિકારી ડો. મોતીલાલ રોય તથા એસટીએસ રાપર ચિરાગ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને રાપર તાલુકાના ટીબી દર્દીઓ અંગેની જરૂરી માહિતી રજૂ કરી હતી. ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવા માટે સરકારી તંત્ર સાથે ઔદ્યોગિક એકમો અને સામાજિક સંસ્થાઓની આ સહભાગિતા મહત્વપૂર્ણ અને પ્રેરણારૂપ બની રહી છે.
-------

Comments