માતાનામઢ ગ્રામ પંચાયતે નવરાત્રીની તૈયારી શરૂ કરી
ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચના અધ્યક્ષ સ્થાને મળી : વિવિધ ઠરાવો મંજૂર થયા : મામલતદાર, ટીડીઓએ માતાનામઢની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
નખત્રાણા - કચ્છઉદય : કચ્છની કુળદેવી દેશ દેવી આઈ આશાપુરા માતાજીના મંદિરે માતાનામઢે આસો નવરાત્રી ૧૦-૧૦-ર૦ર૬થીશરૂ થઈ રહી છે, ત્યારે માતાનામઢ ગ્રામ પંચાયતે તૈયારી આદરી છે.
સરપંચ કાસમભાઈ કુંભારના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી,જેમાંતા. ૭-૦ના ૩૦૦થી વધુના પ્લોટો ગ્રામ પંચાયત દ્વારા ધંધાર્થીઓને ફાળવવામાં આવશે. ઉપરાંત દિવસમાં ૩ વખત સફાઈ કાર્ય હાથ ધરાશે અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ગામ લોકોને ઘરમાં ર૪ કલાકમાં બે વખત પીવાનું પાણી વિતરણ થશે. રોડ લાઈટ સહિતની વધારાની સુવિધા ઉભી કરાશે. માતાનામઢ આસપાસના વિસ્તારમાં ઝાડી, કટીંગ, સફાઈ અભિયાન હાથ ધરાશે. વાહન પાર્કિંગ, ટ્રાફિક સહિતની ચર્ચા કરાઈ હતી. તલાટી કિસાનભાઈ ઠાકોરે એજન્ડા રજુ કર્યા હતા. દરમ્યાન ટીડીઓ વસંતભાઈ ચંદે, મામલતદાર નવીનભાઈ જરૂએ માતાનામઢ ગ્રાઉન્ડની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ જરૂરી સૂચનો યોજ્યા હતા. બેઠકમાં ઉપસરપંચ વનિતાબેન હિતેશ મહેશ્વરી, રામજીભાઈ બ્રાહ્મણિયા, રજબશા સૈયદ, ઓસમાણભાઈ નોતિયાર, દિલીપભાઈ રાજગોર, પ્રતાપસિંહ સોઢા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, તા.પં. સદસ્ય જીતુભા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન વહિવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં માતાનામઢે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સર્વે કચેરીના અધિકારીઓની બેઠક યોજાશે અને જવાબદારી સોપાશે તેવું યાદીમાં જણાવ્યું છે.
---

Comments