મીઠીરોહરના ભગવતી ટીમ્બરમાં યુવકનું ભેદી સંજોગામાં મોત
કડીયા કામ અને મજૂરી કરતા આસામના ૨૦ વર્ષીય યુવકનું મીઠીરોહરમાં ભેદી સંજોગોમાં મોત : રામબાગ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયોઃ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. ૧૯૪ હેઠળ તપાસ હાથ ધરી
મીઠીરોહરના ઇન્દિરાનગરમાં ઘર પાસે રમી રહેલી ૩ વર્ષની બાળકી પાણીના ટાંકામાં ડૂબી જતાં મોત : રમતાં રમતાં ગુમ થયેલી માસૂમ દિકરીનો મકાનના ટાંકામાંથી મૃતદેહ મળતાં અરેરાટી
ગાંધીધામઃ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં આવેલી ભગવતી ટિમ્બર ફેક્ટરી નજીક રહેતા મૂળ આસામના ૨૦ વર્ષીય યુવકનું ભેદી સંજોગોમાં મોત નીપજ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ આસામના ધુબરી જિલ્લાના અને હાલ મીઠીરોહર ખાતે ભગવતી ટિમ્બરમાં રહેતા ૨૦ વર્ષીય મોહીન ઉદ્દિન શેખને સવારે ડ્યુટી માટે ઉઠાડવા જતાં તે જમીન પર ઊંધી સપાટીએ અચેત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. સાથે રહેતા દિલદાર મોહીમ અલી નામના યુવકે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ ડો. બેચર સંઘાણીએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ગાંધીધામ ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી સબ ઇન્સ્પેક્ટર એન.બી. બાંભણિયા અને ટીમે લાશનું ઇન્ક્વેસ્ટ ભરી પી.એમ. કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજા એક બનાવામાં ગાંધીધામ તાલુકાના મીઠીરોહર સ્થિત ઇન્દિરાનગર વિસ્તારમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘર આંગણે રમતી ૩ વર્ષની માસૂમ બાળકી અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઇન્દિરાનગરમાં રહેતા શોભારામ પ્રવેશો ધોબીની ૩ વર્ષીય પુત્રી ગુડિયા પોતાના ઘર નજીક રમવા માટે નીકળી હતી. લાંબા સમય સુધી પરત ન આવતાં પરિવારે આજુબાજુમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ઘર નજીક આવેલા પાણીના ખુલ્લા ટાંકામાં તપાસ કરતાં માસૂમ ગુડિયા ટાંકાના પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવી હતી.
બાળકીને તાત્કાલિક સારવાર અર્થે આદિપુરની રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબ ડો. કીર્તન શાહે તેને મૃત જાહેર કરી હતી. આ અંગે ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. કિશનભાઇ વાઘેલાને સોંપી છે.

Comments