Trending News
સ્થાનિક સમાચાર

કુકમાનો આગકાંડ : તંત્રની ઊંઘ અને સરકારી બાબુઓના આંખમીંચામણાં ક્યાં સુધી ?

23 September

કચ્છમાં આવા બીજા કેટલા અડ્ડા? : તપાસ થશે કે દુૃર્ઘટનાની રાહ જોવાશે?



ફાયર NOCઅને સેફ્ટી વગર જ ધમધમતો હતો ઓઇલનો જથ્થો ?ઃ  ફેક્ટરી ઇન્સ્પેક્ટરથી માંડીને મામલતદાર સુધી... કુકમા કાંડમાં કોની કોની ભૂમિકા શંકાના ઘેરામાં? : માત્ર કાગળ પરની તપાસ નહીં, કચ્છભરમાં ચાલી રહેલા કેમિકલ-ઓઇલના ગોડાઉનો પર જુંબેશરૂપ ચેકિંગ અનિવાર્ય

આ દુર્ઘટનામાં તંત્રના આંખમીંચામણાં અને સરકારી બાબુઓની ઘોર નિષ્કાળજી કેમ ન માની શકાય? : ફેક્ટરી ઇન્સ્પેક્ટર,GPCB અને સ્થાનિક તંત્ર અંધારામાં રહ્યા કે જાણીજોઈને 
આંખ આડા કાન કરાયા? મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? મંજૂર કંપનીઓની આડમાં ચાલતા અડ્ડાઓ સામે કડક તવાઈની માગ

શું ગરીબ માણસ મર્યા જાય છે એટલે નેાંધ લવામાં નથી આવતી કે કેમ? કોઈ મોટા અધિકારી કે રાજકીય વ્યકિતના ભોગ લેવાશે ત્યારે જ પગલા લેવામાં આવશે.? ગરબોનું કોઈ છે જ નહી કે શું?

કોઈ નિર્દોષનો બલિદાન લેવાય તે પહેલાં જાગવાની જરૂરઃ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જ હોનારત નોતરે છે : માલિકો સાથે બેદરકાર અધિકારીઓ સામે પણ દાખલારૂપ કાર્યવાહી થાય તો જ બીજા અડ્ડાઓ પર લગામ કસાશે


ગાંધીધામ : કચ્છના કુકમા ખાતે તાજેતરમાં સર્જાયેલો ભયાવહ આગકાંડ માત્ર એક આકસ્મિક અકસ્માત કે શોર્ટ સર્કિટની ઘટના નથી, પરંતુ સરકારી તંત્રોની ઘોર નિષ્કાળજી અને આંખમીંચામણાંનું પ્રત્યક્ષ પરિણામ છે. એક ખાનગી કે ઔદ્યોગિક સંકુલની અંદર આટલા મોટા પ્રમાણમાં જોખમી ઓઇલનો જથ્થો સંગ્રહાયેલો રહે અને તેની ગંધ સ્થાનિક વહીવટી તંત્ર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સુધી ન પહોંચે તે બાબત જ અનેક ગંભીર શંકાઓ જગાડે છે. ધડાકાભેર ફાટી નીકળેલી આ ભીષણ આગને બુઝાવવા સમગ્ર કચ્છ જિલ્લામાંથી ફાયર ફાઇટરોની ફોજ દોડાવવી પડી તે જ દર્શાવે છે કે આ સુવિધા પર કેટલું મોટું જોખમ ખડકાયેલું હતું. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ શું તંત્ર હંમેશાં કોઈ નિર્દોષનો બલિદાન લેવાય તેની જ રાહ જોશે? જો આ વિકરાળ આગની ઝપેટમાં આસપાસના રહેણાંક વિસ્તારો કે શ્રમિકો આવી ગયા હોત અને મોટી જાનહાનિ થઈ હોત, તો તેની નૈતિક અને કાનૂની જવાબદારી કોની બનત? માત્ર ફેક્ટરીના માલિક કે સંચાલક સામે કાગળ પર ગુનો નોંધી દેવાથી વાત પૂરી થઈ જતી નથી. ખરી જવાબદારી એ સરકારી બાબુઓની છે જેમના નાક નીચે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આવા જોખમી ‘ઓઇલના અડ્ડાઓ’ ધમધમી રહ્યા છે.
કચ્છ એક ઝડપથીવિકસતું ઔદ્યોગિક હબ છે. મંજૂર થયેલી નાની-મોટી કંપનીઓની આડમાં કે બિનઅધિકૃત ગોડાઉનોમાં આવા રસાયણો અને ઓઇલનો ગેરકાયદે સંગ્રહ કરવો એ હવે સામાન્ય વાત બની ગઈ છે. આવી પ્રવૃત્તિઓ ફાયર એનઓસી કે 
પર્યાવરણીય સુરક્ષાના કોઈ પણ ધોરણો પૂરા કર્યા વિના જ ચાલે છે. કુકમાની આ ઘટનાએ લાલબત્તી ધરી દીધી છે કે જો હવે નહીં જાગીએ તો ભવિષ્યમાં આનાથી પણ મોટી હોનારત સર્જાઈ શકે છે.જિલ્લા કલેક્ટર અને રાજકીય નેતૃત્વએ કુકમા આગકાંડને માત્ર એક ઘટના ગણીને રફેદફે કરવાને બદલે 
સબકરૂપ માનવો જોઈએ. ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને સ્થાનિક 
પોલીસની સંયુક્ત ટીમો બનાવીને સમગ્ર કચ્છમાં જુંબેશરૂપ કડક તવાઈ બોલાવવી જરૂરી છે. જ્યાં પણ સુરક્ષાના નિયમો તાકે મૂકીને જોખમી કેમિકલ કે ઓઇલના ગોડાઉનો ચાલતા હોય તેને તાત્કાલિક સીલ કરવા જોઈએ. આ સાથે જ, આ કેસમાં જે કોઈ પણ અધિકારીઓની રહેમરાહ કે બેદરકારી સામે આવે તેમની સામે પણ ધાક બેસે તેવા કડક પગલાં ભરવામાં આવે તો જ ભવિષ્યમાં આવા આગકાંડો પર લગામ કસી શકાશે. કારણ કે આ આગકાંડ માત્ર એક અકસ્માત નથી પરંતુ સંચાલકોની ગુનાહિત બેદરકારી અને સરકારી વિભાગોના (સહિયારા) આંખમીંચામણાંનું પરિણામ છે. જો માત્ર કંપનીના માલિક સામે ગુનો નોંધીને સંતોષ માનવામાં આવશે, તો બીજા અડ્ડાઓ ધમધમતા રહેશે; આ ઘટનામાં જે અધિકારીઓએ
ઇન્સ્પેક્શનમાં બેદરકારી દાખવી હોય તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે.


................

કુકમા આગકાંડ : તંત્ર સામે ઉઠતા તીખા સવાલો?


• મુખ્ય સવાલ : કુકમામાં આટલો મોટો ઓઇલનો જથ્થો ભેગો કરી દેવાયો ત્યાં સુધી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને
GPCB  અધિકારીઓ ઊંઘતા રહ્યા કે પછી આંખ આડા કાન કરાયા?
• મંજૂરી વિના કારોબાર? ઔદ્યોગિક કે ખાનગી સંકુલની આડમાં ધમધમતા આ ઓઇલના અડ્ડા પાસે ફાયર એનઓસી કે જરૂરી સુરક્ષા પરવાનગીઓ હતી ખરી? • જવાબદારી કોની? જો આ ભયાવહ ધડાકા અને આગમાં મોટી જાનહાનિ થઈ હોત, તો તેનો જવાબદાર કોણ બનત? શું માત્ર ફેક્ટરીના સંચાલકો કે ઘોર નિષ્કાળજી દાખવનાર સરકારી બાબુઓ પણ? મંજૂર થયેલી કંપનીઓની છત્રછાયા હેઠળ કચ્છભરમાં બીજા ક્યાં-ક્યાં આવા જોખમી ઓઇલ અને કેમિકલના બિનઅધિકૃત ગોડાઉનો ધમધમી રહ્યા છે? 
• તપાસ માત્ર કાગળ પર રહેશે?આગ બુઝાયા પછી હવે વહીવટી તંત્ર જુંબેશ ચલાવીને કડક તવાઈ બોલાવશે કે પછી દર વખતની જેમ તપાસના નામે ખાનાપૂર્તિ કરીને મામલો રફેદફે કરી દેવાશે?


...................
કોની કોની આ દુર્ઘટનામાં દેખાય છે નિષ્કાળજી?

ગાંધીધામ : કુકમામાં ભયાવહ આગ કાંડની ઘટનાને અંજામ અપાઈ ગયા બાદ આગ તો બુઝાઈ ગઈ પણ સવાલો અનેક ઉભા થાય છે અને આ રીતે બનેલી 
ઘટનામાં કોની કોની શું જવાબદારી બની શકે છે તેને લઈને પણ પ્રબુદ્ધવર્ગમાં સુચક ચર્ચાઓ તેજ બની છે.


.......................

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ


*પર્યાવરણીય પરવાનગીની ચકાસણી ન થવી : ઓઇલ કે કેમિકલ જેવા જોખમી પદાર્થોના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે GPCB  ની ‘કન્સન્ટ ટુ એસ્ટાબ્લિશ’ અને ‘કન્સન્ટ ટુ ઓપરેટ’ જરૂરી હોય છે. *સુપરવિઝનનો અભાવઃ નિયમો વિરુદ્ધ જઈને આટલો મોટો જથ્થો એકઠો થયો છતાં બોર્ડના અધિકારીઓની નજરે ન ચડવું તે વિભાગના આંખમીંચામણાં દર્શાવે છે.


.............

ફાયર ડિપાર્ટમેન્ટ (નગરપાલિકા/જિલ્લા ફાયર સર્વિસ)
*NOC ની ચકાસણી : ફેક્ટરી કે સ્ટોરેજ ગોડાઉન પાસે વેલિડ ‘ફાયર એનઓસી’ હતું કે નહીં અને જો નહોતું તો તેના પર અગાઉ કોઈ નોટિસ કે કાર્યવાહી કેમ ન કરવામાં આવી.


...................

ફેક્ટરી ઇન્સ્પેક્ટર 

*ઇન્સ્પેક્શનમાં નિષ્ફળતા : નિયમિત સમયાંતરે ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા અને સલામતી અંગે તપાસ કરવાની પ્રાથમિક જવાબદારી આ વિભાગની હોય છે.*લાપરવાહીઃ આવા જોખમી ઓઇલના અડ્ડા કે જથ્થા અંગે પ્રાથમિક તબક્કે તંત્ર સાવ અંધારામાં રહ્યું તે દર્શાવે છે કે સ્થળ તપાસ  માત્ર કાગળ પર જ થઈ રહી હતી.


................
સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર/રાજસ્વ વિભાગ
 
*જમીનનો બિનઅધિકૃત ઉપયોગ  :  જે હેતુ માટે જમીનની મંજૂરી લેવાઈ હોય તેના બદલે જોખમી સ્ટોરેજ માટે ઉપયોગ થતો હોય ત્યારે સ્થાનિક તંત્રની મહેસૂલી ટીમો દ્વારા ચેકિંગ ન થવું. *સ્થાનિક બાતમીદારીનો અભાવઃ આવા મોટા પ્રમાણમાં ઈંધણ કે ઓઇલની હેરફેર થતી હોય ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત કે તંત્ર દ્વારા ધ્યાન પર ન લેવાવું.

 

Comments

COMMENT / REPLY FROM