Trending News
સ્થાનિક સમાચાર

માધાપર જખબૌતેરા સંઘ સંચાલીત જખ મંદિર માધાપર મધ્યે નાનયક્ષનો ત્રણ દિવસીય મેળો ભકિતસભર વાતાવરણમાં યોજાયો

22 September



ભુજ - કચ્છઉદય : ભાદરવા માસની શરૂઆત થાય અને કચ્છના અનેક ગામડાઓમાં ભાતીગળ મેળાઓની શરૂઆત થાય છે. આવો જ એક નાના યક્ષ માધાપરના લોક મેળાની લોકો વાટ જોતા હોય છે.આ મેળો ખૂબ જ પ્રાચીન અને પ્રચલીત છે.જેની ઉજવણી ધામધૂમથી ભકિતસભર વાતાવરણરમાં થતી હોય છે. આ ત્રિદિવસીય મેળાની શરૂઆત શનિવારથી થાય છે અને સોમવારે પૂર્ણ થાય છે.
માધાપર જખબૌતેરા સંઘ -જખમંદિર માધાપર મધ્યે આ દિવસો દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યકમો કરવામાં આવે છે, જેમાં શનિવાર તેમજ સોમવારના જખદાદાની પહેડી ચાવવામાં આવે છે.  આ વર્ષે બન્ને દિવસની પહેડીના દાતા ચીમનભાઈ કરશનભાઈ ગમારા પરિવાર રાજકોટ વાળા રહ્યા હતા. આ દિવસો દરમ્યાન અનેક લોકો મુંબઈ તેમજ દેશભરમાંથી આ ઉજવણીમાં ભાગ લેવા સ્થાનિકે આવે છે. રવિવારની સાંજે ભક્તિસંધ્યાનો કાર્યક્રમ મંદિર પરિસરમાં રાખવામાં આવે છે. આ ત્રણ દિવછસ દરમ્યાન શાસ્ત્રોકત વિધી વિધાન અને ધાર્મિક કાર્યક્રમોથી મંદિર પરિસર ભકિતમય થઈ જાય છે.
આ પ્રસંગ કચ્છ કલેક્ટર અનિલભાઈ રાણાવસીયા, પશ્ચિમકચ્છ એસ.પી. વિકાસ સુંડા, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી વિગેરેએ જખમંદિરની મુલાકાત લઈ જખદાદાના આર્શીવાદ મેળવ્યા હતા. કલેકટર તથા એસપીના કરકમળો દ્વારા મંદિરના પટાંગણ મધ્યે વૃક્ષારોપણ કરવામાં આવ્યુું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ નંદુ, નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા દ્વારા પધારેલા મહેમાનોનુંં સન્માન કરવામાં આવ્યુું હતું. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતું કે, જખમંદિર એક એવી સંસ્થા છે જે હરહંમેશ લોક ઉપયોગી છે અને સાથે સાથે સરકારી તંત્રને સેવા આપવા માટે હરહંમેશ તત્પર હોય છે. તેમની આ પ્રથમ મુલાકાતથી કલેકટર ખૂબ જ પ્રભાવીત થયા હતા અને સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યો બદલ આનંદ વ્યકત કર્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે, જખમંદિરના પટાંગણ મધ્યે અનેક કાર્યક્રમો કર્યા છે. અહીનું ધાર્મિક વાતાવરણ ખુબ જ અલૌકીક છે અને સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવવાકીય કાર્યો માટે સંસ્થાના ટ્રસ્ટીઓને અભિનંદન આપ્યા હતા. આ પ્રસગે વિનોદભાઈ ચાવડા,દેવજીભાઈ વરચંદ, કેશુભાઈ પટેલ વિગેરેએ સંસ્થા દ્વારા લોક હિતાર્થે કરવામાં આવતા કાર્યો બદલ આનંદ વ્યકત કરી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતુું કે, ખુબ જ ટુંકા ગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેક ધાર્મિક, સામાજીક, જીવદયા અને માનવસેવાના કાર્યો કરવામાં આવે છે, જેમાં માત્ર રૂા૧૦૦માં કોઈપણ હિન્દુ જ્ઞાતિની દિકરીના લગ્ન જખ દાદાના લગ્ન આશીષ યોજના હેઠળ કરાવી આપવામાં આવે છે. કવીઓ જૈન સમાજના વડીલો માટે રિચાર્જ સેન્ટર “માવતરનો મેળો’ યોજના છેલ્લા ચાર વર્ષથી શરૂ કરવામાં આવી છે, જે ખુબ જ પ્રચલીત થઈ છે. સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. લોકોનું સ્વાસ્થય સારૂ રહે તે માટે સંસ્થા દ્વારા સુપર નિષ્ણાંત ડૉકટરોના નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતીના લોકો માટે સાદડી - બેસણા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની સૂંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા ભાવિકો અને યાત્રાળુઓને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે માટે સંસ્થા દ્વારા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે સ્વચ્છ અને સુંદર આધૂનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા મંદિરના પ્રાંગણમાં પ્લાસ્ટીકનો ઉપયોગ સદંંતર બંધ કરવામાં આવેલ છે, જેથી કરીને પશુધનને મોતના મુખમાંથી બચાવી શકીએ અને સાથે સાથે સફાઈ અભિયાનની જાગૃત્તિ દ્વારા પર્યાવરણની સુંદર સંભાળ પણ રાખી શકીએ. જેથી સ્વચ્છ માધાપર, સ્વચ્છ ભુજ, સ્વચ્છ કચ્છ માટેની ભાવના રાખીને જેને કચ્છ માટે અપાર લાગણી અને સ્નેહ છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા હી સેવાના સુત્રને સાર્થક કરી શકીએ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ નંદુ, નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા, વિનોદભાઈ નંદુ, વિજયાબેન, અંજુબેન તેમજ સંસ્થાના મેનેજર પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજજર વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 
-

Comments

COMMENT / REPLY FROM