“સેવા મારું યોગદાન” અંતર્ગત ભુજમાં આઈ ચેકઅપ કેમ્પ તથા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાનમાં ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારાસેન્ટ્રલ બસ સ્ટેશન, ભુજ ખાતે એસ.ટી. બસોના ંડ્રાઈવરો અને કંડકટરો માટે આઈ ચેકઅપ કેમ્પ તથા માર્ગ સલામતી જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી વી.આર.ચૌધરી, સિવિલ હોસ્પિટલના આંખના નિષ્ણાંત તબીબોની ટીમ અને જીએસઆરટીસીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત આંખના ડૉક્ટરોની ટીમ દ્વારા કુલ ૯૦ જેટલા બસ ડ્રાઈવરો - કંડકટરોના આંખોના નંબર, કલર બ્લાઇન્ડનેસ અને નજીક-દૂરની દ્રષ્ટિની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે ડ્રાઇવરોની આંખો નબળી માલૂમ પડી, તેમને આગળના યોગ્ય ઇલાજ અને ચશ્મા માટે જરૂરી સલાહ-સૂચનો અને પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યા હતા. આ સાથે જ ડ્રાઇવરોને લાંબા અંતર સુધી અથવા રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે આંખોની કાળજી કેવી રીતે રાખવી તેની વિશેષ સમજણ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ, ભુજના સહાયક મોટર વાહન નિરીક્ષક વી.આર.ચૌધરી દ્વારા હાજર રહેલ તમામ ડ્રાઇવર - કંડકટરોને માર્ગ સલામતી જાગૃતિ અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી. તેમને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ઓવરસ્પીડિંગ ટાળવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવા મહત્વના મુદ્દાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં થતા માર્ગ અકસ્માતોને અટકાવી શકાય. કાર્યક્રમના અંતે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી વી.આર.ચૌધરી દ્વારા ડ્રાઈવરો/કંડકટરોને માર્ગ સુરક્ષા સંબંધિત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
------

Comments