કોમ્પિટિટિવ એક્ઝામના વિદ્યાર્થીઓનું સન્માન તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
ટોપ-૧૪ વિદ્યાર્થીનીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપી સન્માનિત કરાયા
ભુજ - કચ્છઉદય : આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર, ભુજ દ્વારા યોજાયેલ કોમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેે સરસ્વતી હોલ, ભુજ બસ સ્ટેશન ખાતે વિશેષ સર્ટિફિકેટ વિતરણ, સન્માન તથા માર્ગદર્શન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર મોરાની સર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ગુલાબ પુષ્પ, શાલ તથા ગિફ્ટ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોપ-૧૪ વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપી વિશેષ સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માનથી વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. કાર્યક્રમમાં ડૉ. આદિત્યસિંહજી, સુપરિન્ટેન્ડન્ટ આર્કિયોલોજિસ્ટ, કચ્છ સર્કલ, ભુજ, ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા, ક્યુરેટર, કચ્છ મ્યુઝિયમ, ભુજ, જયપાલસિંહજી જાડેજા, પુરાતત્વ વિભાગ, કચ્છ સર્કલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંકલન એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડૉ. આદિત્યસિંહજીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રાથમિક અને માધ્યમિક ધોરણથી જ અભ્યાસનો મજબૂત પાયો તૈયાર થવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરૂઆતના ધોરણોમાં મેળવેલું પાયાનું જ્ઞાન, વાંચનની ટેવ, સામાન્ય જ્ઞાન અને વિષયની સમજ આગળ જતાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ નિયમિત અભ્યાસ અને જ્ઞાનપ્રાપ્તિ તરફ ધ્યાન આપવું જોઈએ. જયપાલસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા વિવિધ જ્ઞાનક્ષેત્રો સાથે પરિચિત થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખાસ કરીને પુરાતત્વ, ભૂસ્તરશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર જેવા વિષયોમાં રસ કેળવી અભ્યાસ દ્વારા કેવી રીતે જ્ઞાન અને નિપુણતા પ્રાપ્ત કરી શકાય તે અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષાલક્ષી અભ્યાસની સાથે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવવા પર ભાર મૂકવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
ડૉ. મહેન્દ્રસિંહ સુરેલાએ વિદ્યાર્થીઓને ચારિત્ર્ય અને જીવન ઘડતરનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા પૂરતું નથી, પરંતુ સારા સંસ્કાર, શિસ્ત, જવાબદારી અને ચારિત્ર્યનું નિર્માણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સંતાનોના અભ્યાસ અને કારકિર્દી ઘડતરમાં માતા-પિતાની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે. વાલીઓએ સંતાનોને યોગ્ય વાતાવરણ, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું જોઈએ. એમ. આઈ. બાયડે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વાલીઓ અને શિક્ષકો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી નિયમિત અને સખત મહેનત કરવી જરૂરી છે. યોગ્ય દિશામાં સતત પ્રયત્નો, સમયનું આયોજન અને અભ્યાસમાં એકાગ્રતા રાખવાથી વિદ્યાર્થીઓ સારા પરિણામો મેળવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને સરકારી નોકરી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ સાથે તૈયારી કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના ડાયરેક્ટર મોરાણી સર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ શેફાલી મોરાણી દ્વારા કરવામાં આવી હતી.
------

Comments