Trending News
ક્રાઈમ

વડવાકાંયામાં કટીંગ પૂર્વે ૪૮.૧૩ લાખનો દારૂ ઝડપાયો

22 September



ખાનાયના કુખ્યાત બુટલેગર જીતુભાએ પંજાબથી મંગાવ્યો હતો માલ : સીમાડામાં કટીંગ થાય તે પહેલા એલસીબીએ દરોડો પાડી દારૂની ૭૭૪૦ બોટલ અને બીયરના ૭૬૮૦ ટીન કર્યા કબજે : બે દિવસ પહેલા પણ જીતુભાનો ખાનાયમાંથી ૧૮ લાખનો પકડાયો હતો શરાબ 

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છમાં દારૂની વકરી રહેલી બદીને અટકાવવા એલસીબી દ્વારા ઉપરાઉપરી દરોડા પાડવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા અબડાસા તાલુકાના ખાનાય ગામે દરોડો પાડી કુખ્યાત બુટલેગર જીતુભાનો ૧૮ લાખથી વધુનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો ગઈકાલે મુંદરામાં બારોઈ ખાતે ખંઢેર મકાનમાંથી એલસીબીએ ૧.૧૪ લાખનો દારૂ કબજે કર્યો હતો. રાજેન્દ્રસિંહ ઉર્ફે મોટો રાજુ ભીખુભા જાડેજાએ આ શરાબ છુપાવીને રાખ્યો હતો. તે બાદ હવે નખત્રાણા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વડવા કાંયાના સીમાડામાં કટીંગ થાય તે પહેલા ૪૮.૧૩ લાખનો દારૂ ઝડપી લેવામાં આવ્યો છે.
આ બાબતે પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે નખત્રાણાના વડવા કાયા - મંગવાણા સીમાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અડધા કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. અલગ અલગ બ્રાન્ડની દારૂની પેટીઓ અને બીયરના ટીન કબજે કરી તમામ મુદ્દામાલ નખત્રાણા પોલીસ મથક ખાતે લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે એલસીબીના પીઆઈ એ. એમ. મકવાણાથી વાત કરતા તેમણે જણાવ્યું કે, વડવા કાંયાના સીમાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જયાંથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. ટ્રકમાંથી દારૂની ૭૭૪૦ બોટલ તેમજ બીયરના ૭૬૮૦ ટીન મળી કુલ્લ ૪૮,૧ર,૭૬૮ નો પ્રોહીબીશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે દસ લાખની ટ્રક, એક સ્પલેન્ડર બાઈક મળી કુલ્લ પ૮.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પુછપરછમાં સામે આવ્યું કે, પંજાબના પટીયાલાથી માલ ભરવામાં આવ્યો હતો. ટ્રકના ચાલક રાજસ્થાનના બાડમેરના સતારખાન રમજાનખાન પઠાણની અટક કરવામાં આવી છે. ચાલકની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું કે, રાજસ્થાનના બાડમેરના અકબરખાન નામના શખ્સે પટીયાલાથી માલ ભરાવી આપ્યો હતો. આ માલ અહીં ખાનાયના કુખ્યાત બુટલેગર જીતુભા મંગળસિંહ સોઢાએ મંગાવ્યો હતો. સીમાડામાં દારૂ કટીંગ થાય તે પહેલા દરોડો પાડી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બુટલેગરને ઝડપી પાડવા માટે હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.  નખત્રાણા વિસ્તારમાંથી માતબર દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો. 

Comments

COMMENT / REPLY FROM