માતાનામઢ યાત્રામાર્ગના સમારકામ માટે તંત્રને રજૂઆત
નવરાત્રી પહેલાં સૂરજબારીથી માતાનામઢ સુધીના માર્ગની મરામત કરવાની ઉઠી માંગ
ભુજ - કચ્છઉદય : નવરાત્રી પર્વ નજીક આવતાં માતાનામઢ તરફ નીકળનારા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધાના મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ એમ. આયરે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી સૂરજબારીથી માતાનામઢ સુધીના માર્ગ પર પડેલા ખાડાઓ દૂર કરીને માર્ગને યાત્રા માટે યોગ્ય બનાવવાની માંગણી કરી છે.
શ્રી આહિર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, નવરાત્રી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાનામઢ સુધી પગપાળા યાત્રા કરે છે. આવી સ્થિતિમાં માર્ગ પરના ખાડા અને ખરાબ હાલત યાત્રાળુઓ માટે મુશ્કેલી સર્જી શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે માર્ગ પર પ્રકાશની અછત અને બિસ્માર રસ્તાને કારણે અકસ્માતની સંભાવના વધે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વિપક્ષી નેતાએ માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરીને જ્યાં જરૂરી હોય ત્યાં સમારકામ હાથ ધરવા, ખાડા પુરવા અને જોખમી સ્થળોને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. ઉપરાંત યાત્રામાર્ગ પર પૂરતી લાઇટ વ્યવસ્થા, દિશાસૂચક બોર્ડ અને ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. માતાનામઢ યાત્રા સાથે લાખો લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાથી યાત્રાળુઓને કોઈ પ્રકારની અગવડતા ન પડે અને યાત્રા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે.
----------

Comments