નમોશ્રી તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બની માતા અને બાળકના પોષણનો આધાર
મિરજાપરના મીતલબેનને નમોશ્રી યોજના હેઠળ મળેલી રૂ. ૧૨ હજારની સહાયથી માતા-બાળકનું સ્વાસ્થ્ય બન્યુ સુરક્ષિત
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણની સુરક્ષા માટે શરૂ કરવામાં આવેલી નમોશ્રી તથા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના કચ્છમાં અનેક માતાઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા બહેનો અને નવજાત શિશુનું સ્વાસ્થ્ય સુરક્ષિત કરવું અને તેમને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો છે. આ યોજનાના આવા જ લાભાર્થી ભુજ તાલુકાના મિરજાપર ગામના મીતલબેન ગઢવી છે, તેમને મળેલી આર્થિક સહાયના કારણે તેમની તથા નવજાત બાળકના પોષણની જરૂરિયાત પૂરી કરવામાં મોટી મદદ મળી છે.
આ અંગે લાભાર્થી મીતલબેન ગઢવીએ જણાવ્યું હતું કે, આ બંને યોજના હેઠળ કુલ રૂ. ૧૨,૦૦૦ની સહાય મળે છે તેની માહિતી મને સરકારી દવાખાના પરથી મળી હતી, ત્યારબાદ મેં ફોર્મ ભર્યું હતું. આ યોજનાના કારણે હું અને મારું બાળક બંને જરૂરી પોષણયુક્ત આહાર મેળવી શક્યા છીએ."તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાની સૌથી મોટી સરળતા એ છે કે, સહાયની રકમ સીધી જ મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે, જેથી કોઈપણ સરકારી કચેરીએ ધક્કા ખાવા પડતા નથી. મીતલબેને જણાવ્યું કે, આ સહાય તેમને પાંચ અલગ-અલગ હપ્તામાં મળી છે. પ્રથમ હપ્તો સગર્ભાવસ્થાની શરૂઆતમાં નોંધણી વખતે, બીજો હપ્તો ગર્ભાવસ્થાના ૬ મહિના પૂર્ણ થયા બાદ, ત્રીજો હપ્તો સંસ્થાકીય પ્રસૂતિ સમયે અને ચોથો તથા પાંચમો હપ્તો બાળકનું સંપૂર્ણ રસીકરણ અને અન્ય સ્વાસ્થ્ય ચકાસણી પછી મળ્યો હતો. અંતમાં તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકાર મારા જેવી માતાઓ અને બાળકોની સગર્ભાવસ્થાથી લઈને બાળકના રસીકરણ સુધીની સમગ્ર સફર દરમિયાન સતત પડખે રહીને ચિંતા કરે છે અને આર્થિક મદદ પહોંચાડે છે, જેનાથી માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ માટે હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
---------

Comments