નિવૃત્ત રમતવીર પેન્શન યોજના બની અંજારના ખેલાડી માટે જીવનનો ટેકો
દર માસે રૂ. ૩૦૦૦ની સહાયથી જયપ્રકાશ જોશીના જીવનમાં આવ્યા નવરંગ
અંજાર - કચ્છઉદય : રાજ્યના નાગરિકોના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેલાડીઓએ રાજ્ય અને દેશનું નામ રોશન કરવા માટે આપેલા યોગદાનને બિરદાવવા અને નિવૃત્તિ બાદ તેમને આર્થિક સુરક્ષા અને સન્માનજનક જીવન પૂરું પાડવા રાજ્ય સરકારે નિવૃત્ત રમતવીર પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનાનો લાભ કચ્છમાં પણ અનેક નિવૃત્ત રમતવીરો લઈ રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયક સાફલ્ય ગાથા છે અંજારના નિવૃત્ત ખો-ખો ખેલાડી જયપ્રકાશભાઈ જોશીની, જેમને આ યોજના હેઠળ દર માસે મળતી આર્થિક સહાય તેમના જીવનમાં નવો રંગ લાવી છે અને આર્થિક સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું છે.
આ અંગે જયપ્રકાશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૫૦ વર્ષથી વધુ ઉંમરના એવા નિવૃત્ત રમતવીરો કે જેમણે પોતાની કારકિર્દી દરમિયાન રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યો હોય અથવા રાજ્ય વતી નેશનલ ગેમ્સમાં પ્રતિનિધિત્વ કર્યું હોય, તેમને આ યોજના હેઠળ પેન્શન આપવામાં આવે છે."પોતાની સિદ્ધિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મેં ખો-ખો રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને મેડલ પણ મેળવ્યો હતો. જેના કારણે મને આ યોજના હેઠળ દર માસે રૂ. ૩૦૦૦ નું પેન્શન મળે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ આર્થિક મદદથી મારું જીવન ઘણું સરળ બન્યું છે. મારા રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં આ રકમ મને ખૂબ જ સહાયરૂપ બની રહી છે. સરકારના આ સકારાત્મક અને સંવેદનશીલ નિર્ણયથી માત્ર નિવૃત્ત ખેલાડીઓને સન્માન નથી મળતું, પરંતુ હાલની યુવા પેઢીને પણ રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે વધુ પ્રોત્સાહન મળશે. અંતમાં તેમણે રાજ્ય સરકાર અને રમત-ગમત વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
----

Comments